વિશ્વના અનેક દેશોમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. હવે આ રમતમાં ટેસ્ટ અને ટી20ના મિશ્રણથી બનેલા એક નવા ફોર્મેટની લીગનો પ્રારંભ થશે. આ નવું ફોર્મેટ ટેસ્ટ-ટી20 એટલે કે ચોથા ફોર્મેટ તરીકે ઓળખાશે, જેની પ્રથમ ટુર્નામેન્ટ જાન્યુઆરી 2026માં રમાશે. આ ટુર્નામેન્ટમાં વિવિધ છ ફ્રેન્ચાઈઝ ટીમો રમશે. જેમાંથી ત્રણ ભારતીય રહેશે જ્યારે બાકીની ત્રણમાં દુબઈ, લંડન અને અમેરિકાની એક એક ટીમ રહેશે. આ નવા પ્રકારની ટુર્નામેન્ટની દરેક મેચ કુલ 80 ઓવરની રહેશે, જેમાં બંને ટીમો 20-20 ઓવરની બે ઈનિંગ્સ રમશે. આ મેચમાં હાર, જીત ઉપરાંત ડ્રોથી પણ પરિણામ શક્ય રહેશે. પ્રથમ ઈનિંગ્સમાં 75+ રનની લીડ મેળવ્યા બાદ ટીમ હરીફને ફોલોઓન પણ આપી શકશે. સૌથી મહત્વની બાબત એ રહેશે કે ટીમો લાલ બોલથી જ આ ફોર્મેટમાં રમશે. દરેક ટીમ મેચમાં મહત્તમ પાંચ બોલરનો ઉપયોગ કરી શકશે અને એક બોલર વધુમાં વધુ પાંચ ઓવર બોલિંગ કરી શકશે.
આ ટુર્નામેન્ટમાં માત્ર 13 થી 19 વર્ષના ખેલાડીઓ જ ભાગ લઈ શકશે. એબી ડીવિલિયર્સ, ક્લાઈવ લોઇડ, મેથ્યૂ હેડન અને હરભજન સિંઘ જેવા દિગ્ગજ ખેલાડીઓ આ ટુર્નામેન્ટની એડવાઈઝરી બોર્ડમાં સામેલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ફોર્મેટ હજુ અમલી બન્યું નથી.












