(PTI Photo)

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે ગાંધીનગરમાં મંગળવારે સમીક્ષા બેઠક કર્યા બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કેટલાય વિસ્તારોમાં 150 કિમીની પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડુ નબળુ પડ્યુ છે, પણ ચિંતા હજૂ યથાવત છે. સરકારીતંત્રની તૈયારીને કારણે મોટી જાનહાની ટાળી શકાય તેમ છે. વધુમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લગભગ 2 લાખ જેટલા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યુ છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે આશરે 2,400 ગામડામાં વિજળી ખોરવાઈ ગઈ હતી. ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગૌવા, કર્ણાટકમાં આ વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 19 લોકોનો મોત થયા છે.

સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ તૌકતે વાવાઝોડું અમદાવાદ જિલ્લા તરફ આગળ વધી રહ્યુ છે. તેની અસર ધંધુકા અને ધોલેરામાં વર્તાઈ રહી છે. ધંધુકામાં 60થી 90 કિમી અને ધોલેરામાં 60થી 100ની ગતિ એ પવન ફૂંકાઈ છે. વાવાઝોડું વિરમગામ તરફ આગળ વધશે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે 1,081 વીજથાંભલાઓ પડ્યા છે. વાવાઝોડાથી 40 હજાર વૃક્ષો ધરાશાયી થયા. વાવાઝોડાથી 16, 500 ઝુપડાઓ અસરગ્રસ્ત થયા છે. રાજ્યના 35 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમા સૌથી વધુ વધુ વરસાદ બગસરામાં નવ ઈંચ પડ્યો હતો. આશરે 160 રોડ ધોવાઈ ગયા છે.

રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વાવાઝોડાના કારણે 16 હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને ફરીવાર ચાલુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ઓક્સિજનનો પુરવઠો ક્યાંય અટક્યો નથી. સરકારે તમામ આગોતરી કવાયત હાથ ધરી હતી.