NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI5_18_2021_001010001)

ભારતમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 2.63 લાખ કેસ સાથે કુલ કેસનો આંકડો 25 મિલિયન (2.52 કરોડ)ને વટાવી ગયો હતો, જે અમેરિકા પછી વિશ્વમાં સૌથી વધુ છે. નવા કેસ છેલ્લાં 28 દિવસમાં સૌથી ઓછા રહ્યાં હતા, પરંતુ દૈનિક મોતની અત્યાર સુધીની સૌથી વધુ 4,329 રહી હતી અને તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 2,78,719 થયો હતો. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે વધુ ચેપી B.1.617 વેરિયન્ટ ગ્રામીણ વિસ્તારમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ટેસ્ટિંગ સુવિધાના અભાવે આ સત્તાવાર આંકડા વાસ્તવિક લાગતા નથી. કેટલાંક નિષ્ણાતો જણાવે છે કે દેશમાં વાસ્તવિક કેસ અને મોતનો આંકડો 5થી 10 ગણો વધુ હોઈ શકે છે.

છેલ્લાં એક મહિનાથી વિશ્વના કોઇ પણ દેશ કરતાં ભારતને કોરોના મહામારીનો વધુ ફટકો પડ્યો છે. 16મેએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતમાં કોરોનાના કુલ કેસમાં 20 લાખનો વધારો થયો હતો અને આશરે 28,000 લોકોના મોત થયા હતા. નવા વેરિયન્ટને કારણે દૈનિક કેસની સંખ્યા 4 લાખને વટાવી ગઈ હતી. છેલ્લાં કેટલાંક દિવસથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે કોરોનાની પીક આવી ગઈ હોવાનું કહી શકાય નહીં.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં હજુ પીક આવી નથી અને કેસો વધી રહ્યાં છે. દેશમાં પોઝિટિવિટી રેટ હજુ 20 ટકા જેટલો ઊંચો છે, જે સંકેત આપે છે કે સ્થિતિ વધુ કથળી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા ડેટા મુજબ દેશમાં છેલ્લાં 24 કલાકમાં 2.63 લાખ નવા કેસ સામે 2.15 લાખ દર્દી કોરોનાથી રિકવર થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 33.53 લાખ થઈ હતી, જે કુલ કેસના 13.29 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 85.60 ટકા થયો હતો અને મૃત્યુદર 1.10 ટકા રહ્યો હતો.

દેશમાં મંગળવારે કુલ 4,329 લોકોના મોતમાંથી મહારાષ્ટ્રમાં 1,000, કર્ણાટકમાં 476, દિલ્હીમાં 340, તમિલનાડુમાં 335, ઉત્તરપ્રદેશમાં 271, ઉત્તરાખંડમાં 223, પંજાબમાં 191, રાજસ્થાનમાં 157, છત્તીસગઢમાં 149 અને પશ્ચિમ બંગાળમાં 147 લોકોના મોત થયા હતા.

વિશ્વમાં એકમાત્ર અમેરિકામાં કોરોનાના આના કરતાં વધુ કેસ કે એક દિવસમાં મોત નોંધાયા છે. અમેરિકામાં 12 ફેબ્રુઆરીએ કોરોનાથી 5,444 લોકોના મોત થયા હતા. અમેરિકામાં કોરોની સ્થિતિ હળવી થઈ છે, પરંતુ ભારતની સ્થિતિ ગંભીર છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ગોવા જેવા રાજ્યોમાં વાવાઝોડાની કારણે કોરોનાની સ્થિતિ વધુ કફોળી બની હતી. ગુજરાતમાં વેક્સીનેશનની કામગીરી બે દિવસ અટકાવી દેવામાં આવી હતી.

હોસ્પિટલ બેડ, મેડિકલ ઓક્સિજન અને દવાની અછત, સ્મશાનગૃહોમાં વેઇટિંગ, ગંગા નદીમાં તરતા મૃતદેહો દેશમાં કોરોના મહામારીની ભયાનકતાનો સંકેત આપે છે.

ભારતમાં કોરોનાની પ્રથમ લહેર મોટાભાગે શહેરી વિસ્તાર પૂરતી સીમિત રહી હતી અને તે સપ્ટેમ્બરમાં પીક-આઉટ થઈ હતી. ફેબ્રુઆરીમાં શરૂ થયેલી બીજી લહેર ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહી છે. ભારતની 1.35 બિલિયનની કુલ વસતીમાંથી આશરે 65 ટકા લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને ત્યાં ટેસ્ટિંગ સુવિધા કે મેડિકલ સુવિધાનો અભાવ છે.
અમેરિકાના માયો ક્લિનિકમાં મેડિસિનના પ્રોફેસર એસ વિન્સેટ રાજકુમારે ટ્વીટર પર જણાવ્યું હતું કે ભારતમાં કન્ફર્મ કોરોના કેસોમાં આ ઘટાડો એક ભ્રમણા છે.

ગ્રામીણ વિસ્તારોમાં કોરોના કેસો પર દેખરેખ રાખવા ભારત સરકારે રવિવારે નવી વિગતવાર ગાઇડલાઇન જારી કરી હતી અને ફ્લૂ જેવી બિમારી ધરાવતા લોકોને શોધીને કોરોના ટેસ્ટ કરવાની સૂચના આપી હતી. વિશ્વમાં વેક્સીનનું સૌથી વધુ ઉત્પાદન કરતાં ભારતમાં હજુ માત્ર 40.4 મિલિયન અથવા 2.9 ટકા લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન થયું છે.

આ મહામારીના પ્રકોપ વચ્ચે ટોચના વાઇરોલોજિસ્ટ અને INSACOG તરીકે ઓળખતા સાયન્ટિફિક એડવાઇઝરી ગ્રૂપના ચેરમેન શાહિદ જમીલે રવિવારે રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે સરકાર નીતિ ઘડતી વખતે પુરાવા પર પૂરતું ધ્યાન આપતી ન હોવાથી તેઓ ચિંતિત છે.