(Photo by STR/AFP via Getty Images)

ભારતમાં મિલિટરીમાં કાર્યરત માતા-પિતાની છત્રછાયામાં ઉછરેલી વ્યક્તિમાં શિસ્ત, ચપળતા અને દેશભક્તિની લાગણીનું સિંચન થાય છે. સામાન્ય પરિવાર અને સેનાની પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારના વાતારવરણનો આ ફરક જે તે વ્યક્તિમાં આજીવન જોવા મળે છે. બોલીવૂડની ઘણી જાણીતી અભિનેત્રીનો જન્મ આવા મિલિટરી પરિવારમાં થયો છે. આ લોકોને પોતાના પરિવાર અને દેશ માટે ગૌરવ હોવાનું સ્વાભાવિક હોય છે. આ સાથે તેમના કામમાં નિષ્ઠા અને દૃઢતા જોવા મળે છે. બોલીવૂડની અનેક અભિનેત્રીઓ મિલિટરી પરિવારમાંથી અભિનયના ક્ષેત્રમાં આગળ વધી છે.

અનુષ્કા શર્મા
ક્રિકેટરી વિરાટ કોહલની પત્ની અને અભિનેત્રી અનુષ્કાના પિતા અજયકુમાર શર્મા કર્નલ હતા. તેમણે કારગિલ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તેમની નોકરીના કારણે અનુષ્કાને અનેક શહેરોમાં રહેવાનું થયું છે અને તેના કારણે સ્કૂલ્સ પણ વારંવાર બદલવી પડી છે. જોકે, પરિવારમાં સેનાનું શિસ્ત હોવાના કારણે અનુષ્કાને હિંમત અને સાહસ વારસામાં મળ્યા છે. અનુષ્કાએ કારગિલ યુદ્ધને પોતાના જીવનનો કપરો સમય ગણાવતા કહ્યું હતું કે, તેની માતા સતત ન્યૂઝ ચેનલ જોયા કરતી હતી. સરહદ પર કોઈના મોતના સમાચાર આવે ત્યારે તે ખૂબ દુ:ખી થઈ જતી. ફિલ્મ કલાકાર તરીકે મળેલી ઓળખ કરતાં પરિવારનું સેનાનું બેકગ્રાઉન્ડ વધારે ગૌરવ અપાવે છે.

લારા દત્તા
લારા દત્તાના પિતા વિંગ કમાન્ડર એલ કે દત્તા ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનાં પર્સનલ પાયલટ હતા. લારાએ પિતાની વાત કરતાં કહ્યું હતું કે, તેઓ ઘણી વખત ઇન્દિરા ગાંધી માટે ઊડાન ભરતા હતા અને તેમને અંગત રીતે ઓળખતા હતા. તે બાળપણથી ઈન્દિરા ગાંધી વિશે સાંભળતી હતી. તેથી તેમની સાથે વ્યક્તિગત સંબંધ હોય તેવું લાગતું હતું. લારા માને છે કે, તેના પિતાના સાહસની વાતો સાંભળીને જ ફિલ્મમાં કામ કરવાની પ્રેરણા મળી હોવાનું અને ‘બેલબોટમ’માં ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવામાં મદદ મળી છે.

નિમરત કૌર
નિમરત કૌરના પિતા મેજર ભૂપિન્દરસિંઘ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. 1994માં ત્રાસવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું અને પછી હત્યા કરી હતી. આ સમયે નિમરત માત્ર 1 વર્ષની હતી. પિતાની બહાદુરીએ નિમરતને આજીવન પ્રેરણા આપી છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં નિમરતે પિતાના જન્મ દિન નિમિત્તે એક સ્મારકનું ઉદઘાટન કર્યું હતું. આ સ્મારકમાં રાજસ્થાનના શ્રીગંગાનગર ખાતે દેશ માટે પ્રાણની આહુતિ આપનારા 12 જવાનોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નિમરતે કહ્યું હતું કે, 30 વર્ષ અગાઉ પિતાને ગુમાવ્યા ત્યારથી તેમના સન્માનમાં સમારક બનાવવાનું સ્વપ્ન હતું.

પ્રીટિ ઝિંટા
પ્રીટિ ઝિંટાના પિતા દુર્ગાનંદ ઝિંટા આર્મીમાં ઓફિસર હતા. પ્રીટિ 13 વર્ષની હતી ત્યારે કાર એક્સિડન્ટમાં તેમનું નિધન થયું હતું. પ્રીટિના ભાઈ દીપાંકર ઝિંટા પણ ભારતીય સેનામાં કાર્યરત છે. પ્રીટિએ અગાઉ જણાવ્યું હતું કે, ભારતીય મહિલાઓ નાની ઉમરે પિતા પર અને લગ્ન પછી પતિ પર નિર્ભર રહેતી હોય છે. વૃદ્ધાવસ્થામાં તેણે સંતાનો પર આધાર રાખવો પડે છે. જોકે, પિતા દુર્ગાનંદ પહેલેથી પ્રીટિને આત્મનિર્ભર બનાવવા ઇચ્છતા હતા અને જાતે જ પોતાના નસીબનું ઘડતર કરે તેવું તેઓ ઈચ્છતા હતા.

પ્રિયંકા ચોપરા
બોલીવૂડ છોડીને હોલીવૂડમાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરાના માતા અને પિતા બંને આર્મીમાં ડોક્ટર હતા. પિતા ડો. અશોક ચોપરાને પ્રિયંકા પોતાના આદર્શ માને છે. પિતાને આર્મી યુનિફોર્મમાં જોઈને પ્રિયંકા ખૂબ જ ગર્વની લાગણી અનુભવતી હતી. બાળપણથી જ પ્રિયંકાને પિતા જેવા બનવાની ઈચ્છા હતી, પિતાના કાર્યોમાંથી સતત પ્રેરણા મળતી હોવાનું પ્રિયંકા માને છે. પ્રિયંકાની સાથે તેની માતા મધુ ચોપરા સતત જોવા મળે છે, જેઓ દીકરી માલતી મેરીના ઉછેરથી લઇને પ્રિયંકાની પ્રોડક્શન કંપની સુધીના દરેક કામમાં મદદરૂપ બને છે.

રકુલ પ્રીત સિંઘ
રકુલ પ્રીત સિંહના પિતા રાજેન્દ્ર સિંઘ આર્મીમાં ઓફિસર છે. રકુલને પણ અનુષ્કા શર્માની જેમ સૈનિક પરિવારના અન્ય બાળકો સાથે સતત નવા-નવા શહેરોમાં રહેવાનું થયું છે. રકુલે નોર્થ ઇસ્ટ રાજ્ય- ઐઝવાલ-મિઝોરમ ખાતે ત્રણ વર્ષ વસવાટ કર્યો હતો. તેના પિતાએ મણિપુર સરહદે પણ ફરજ બજાવી છે. રકુલે કહ્યું હતું કે, સેનાના પરિવારનું સંતાન હોવાના કારણે પિતાને ગુમાવવાનો ડર અને નવા-નવા શહેરોમાં એડજસ્ટ થવાનો પડકાર તેણે અનુભવ્યો છે. નવા મિત્રો બન્યા હોય અને શહેરથી પરિચિત થવાયું હોય ત્યાં ફરીથી નવા સ્થળ જવાનું થતું હતું. પિતાની સલામતી બાબતે માતા સતત ચિંતિત રહેતી હોવાનું રફુલે કહ્યું હતું.

દિશા પટની
દિશા પટનીના માતા-પિતા સેનામાં નહોતા પરંતુ, તેની બહેન ખુશ્બુ ઇન્ડિયન આર્મીમાં મેજર છે. બરેલી ખાતે ખુશ્બુએ વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું, ખુશ્બુની આ કામગીરી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.

સુષ્મિતા સેન
સુસ્મિતા સેનન પિતા શુબીર સેન એર ફોર્સમાં વિંગ કમાન્ડર હતા. સુસ્મિતાએ એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેને પોતાના સપનાં પૂરા કરવાની જે ક્ષમતા મળી તેનો સંપૂર્ણ શ્રેણ તેણે પોતાના ઉછેરને આપ્યો છે. સુસ્મિતાએ કહ્યું હતું કે, તેના પિતા ખૂબ આધ્યાત્મિક હતા અને તેમની પાસેથી જ જીવનમાં જતું કરવાનું શીખવા મળ્યું હતું. જ્યારે માતાએ તેને નિષ્ફળતાનો ડર રાખ્યા વગર આગળ વધતા રહેવા પ્રેરણા આપી હતી. માતા-પિતાના સંસ્કારો વચ્ચેના સંતુલને મજબૂત મહિલા તરીકે પોતાનું ઘડતર થયું હોવાનું સુષ્મિતા માને છે.

LEAVE A REPLY