Financial advisor with Indian family

અમેરિકાના પ્યુ રીસર્ચ સેન્ટર દ્વારા કરાયેલા એક વ્યાપક વિશ્લેષણમાં દેશના અતિ સમૃદ્ધ અને સદ્ધર પરિવારો વચ્ચે સંપતિનો તફાવત બ્લેક અમેરિકન્સ અને સ્પેનિસ અમેરિકન્સ (હિસ્પેનિક્સ) માં સૌથી વધુ જણાયો હતો, જ્યારે ગોરા અમેરિકન અને એશિયન અમેરિકન પરિવારોમાં 2021માં સૌથી ગરીબ પરિવારો ઉપર તો દેવું લગભગ નહોતું અને થોડી મિલકતો તો આ પરિવારો પાસે હતી જ.

અમેરિકામાં સ્થાયી થયેલા વંશિય અને એથનિક ગ્રુપ્સમાં દરેક ગ્રપના ટોચના સમૃદ્ધ 25 ટકા પરિવારો પાસે જે તે સંબંધિત ગ્રુપ્સની કુલ સંપતિમાંથી 75 ટકા કે એથી વધુ સંપતિ હતી. આમાં પણ દરેક ગ્રુપમાં સર્વાધિક સમૃદ્ધ એક ટકા લોકો પાસે તો સંપતિનો બાકી બધાની તુલનાએ ઘણો મોટો હિસ્સો જણાયો હતો.

પ્યુ રીસર્ચ દ્વારા 2019 અને 2021ના વર્ષોની આર્થિક સ્થિતિનું તુલનાત્મક વિશ્લેષણ કરાયું હતું, જે કોવિડ 19ની વૈશ્વિવ મહામારીના અગાઉના વર્ષ અને મહામારીના સૌથી વધુ તીવ્ર પ્રકોપ પછીના વર્ષની સ્થિતિનું પ્રતિબિંબ ધરાવે છે.
આ વિશ્લેષણના તારણો મુજબ સમૃદ્ધ ગોરા અમેરિકન અને એશિયન પરિવારોની સંપતિ 2021માં દરેક પરિવારદીઠ $1.5 મિલિયનની હતી, જે સમૃદ્ધ બ્લેક કે હિસ્પેનિક પરિવારોની મિલકતોની તુલનાએ લગભગ ત્રણ કે ચાર ગણી વધારે હતી.

ગરીબ બ્લેક પરિવારોની નાણાકિય સ્થિતિમાં 2019ની તુલનાએ 2021માં સુધારો અવશ્ય થયો હતો, પણ તેઓ બન્ને વર્ષોમાં દેવાદાર તો હતા જ. આ પરિવારોની મિલકતોના મૂલ્ય કરતાં તેમના દેવાનું સ્તર 2019માં $10,110 હતું તે સરેરાશ 2021માં ઘટીને $4,000 થયું હતું. તો બ્લેક સમુદાયમાં થોડા સદ્ધર મનાતા પરિવારોની સરેરાશ નેટ વર્થ 2021માં $6,770 હતી, જે 2019ની તુલનાએ બમણા કરતા વધુ હતી. સમૃદ્ધ બ્લેક પરિવારોની નેટવર્થ 2019માં $79,700 હતી જે વધીને 2021માં $414,000 થયાનું અંદાજોમાં દર્શાવાયું છે.

હિસ્પેનિક સમુદાયના ગરીબ પરિવારો 2021માં સદ્ધર નહોતા તો સાથે સાથે દેવાદાર પણ નહોતા. સામાન્ય રીતે સદ્ધર હિસ્પેનિક પરિવારોની સંપતિ 2021માં સરેરાશ $18,100 હતી, તો સમૃદ્ધ હિસ્પેનિક પરિવારોની સંપતિ $122,800 જ્યારે અતિ ધનાઢ્ય હિસ્પેનિક પરિવારોની સંપતિ $528,100ની થઈ હતી.

તેની તુલનાએ ગરીબ એશિયન અમેરિકન પરિવારોની સંપતિ $2021માં 8,900 હતી, જો કે 2019ની તુલનાએ તો એ લગભગ ત્રણ ગણી હતી. એ ચોક્કસપણે ગરીબ બ્લેક કે સ્પેનિસ પરિવારો કરતાં પણ વધુ જ હતી. એકંદરે પણ એશિયન અમેરિકન પરિવારોની સંપતિમાં તંદુરસ્ત વૃદ્ધિ જ નોંધાઈ હતી અને સમૃદ્ધ એશિયન પરિવારોની સંપતિ 2021માં $149,000 તથા અતિ ધનાઢ્ય પરિવારોની સંપતિ સરેરાશ $1.8 મિલિયન જણાઈ હતી. એકંદરે, એશિયન અમેરિકન પરિવારોની સમૃદ્ધિમાં 2019 ની સામે 2021માં વૃદ્ધિનો દર ટકાવારીમાં નીચેના સ્તરે સૌથી વધુ અને ઉપલા સ્તરે સૌથી ઓછો જણાયો હતો. સામાન્ય રીતે સદ્ધર પરિવારોની સંપતિનો વૃદ્ધિ દર 84 ટકા, સમૃદ્ધ પરિવારોની સંપતિનો વૃદ્ધિ દર 33 અને અતિ ધનાઢ્ય પરિવારો માટે એ દર 23 ટકા રહ્યો હતો.

ગોરા અમેરિકન પરિવારોની સંપતિનો વૃદ્ધિ દર લગભગ એશિયન અમેરિકન પરિવારો સાથે સમાન જ હતો. એકંદર અમેરિકન પરિવારોની ગણતરી કરાય તો સમૃદ્ધ અમેરિકન પરિવારો પાસે કુલ સંપતિનો 82 ટકા હિસ્સો હતો, જે 2019માં 84 ટકા હતો. જો કે, ટોચના એક ટકા પરિવારોની સંપતિનો આમાં સમાવેશ કરાયો નથી.

એકંદરે તમામ બ્લેક અને સ્પેનિસ અમેરિકન પરિવારોની સંપતિ ઉપર દ્રષ્ટિપાત કરાય તો બ્લેક સમુદાયમાં સંપતિની વહેચણીમાં અસમાનતા વધુ તીવ્ર જણાય છે. આવા 24 ટકા પરિવારો પાસે 2021માં કોઈ સંપતિ નહોતી અથવા તો એ દેવામાં હતા. હિસ્પેનિક સમુદાયમાં આવા પરિવારોનું પ્રમાણ 14 હતું, તો તેની તુલનાએ ગોરા અમેરિકન અને એશિયન અમેરિકન સમુદાયના પરિવારોનું પ્રમાણ અનુક્રમે ફક્ત 9 અને 7 ટકા હતું.

LEAVE A REPLY

thirteen − eleven =