અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નાણાકીય વર્ષ 2026 માટે 120,000 H-1B વિઝા મંજૂર કર્યા છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)ના જાહેર થયેલા નવા ડેટામાં જણાયું છે કે, અત્યાર સુધીમાં 120,141 H-1B વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. યુએસ ટેક વર્કર્સે સોશિયલ મીડિયા ટ્વિટર (એક્સ) પર જણાવ્યું હતું કે, ‘નાણાકીય વર્ષ 2026 માટે H-1B વિઝાના નવા 120,141 ટેકનોલોજિસ્ટ્સને પસંદ કરવામાં આવ્યા છે. કર્મચારીઓની છટણીનું પ્રમાણ વધુ હોવા છતાં એવા સ્પષ્ટ સંકેત મળે છે કે, અમેરિકામાં વર્કર્સને બદલવામાં આવી રહ્યા છે.’
જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી સત્તા સંભાળી ત્યારથી, ખાસ તો, રીપબ્લિકન્સમાં H-1B વિઝાનો મુદ્દો ફરીથી સામે આવ્યો છે. કેટલાક કન્ઝર્વેટિવ્ઝ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અને કેટલાક કટ્ટર સંરક્ષણવાદીઓ છે જેઓ અમેરિકા ફર્સ્ટના વિચારના સમર્થનમાં છે.
ટેક વર્કર્સની મોટી છટણી વચ્ચે USCIS દ્વારા 7 માર્ચથી 24 માર્ચ સુધી વિઝા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ટેકક્રંચના રીપોર્ટ મુજબ, જાન્યુઆરી અને એપ્રિલ 2025 વચ્ચે અમેરિકામાં 50 હજારથી વધુ ટેક વર્કર્સે તેમની નોકરી ગુમાવી હતી. આમ છતાં, કંપની દ્વારા H-1B ઉમેદવારો માટે મોટી સંખ્યામાં અરજીઓ કરી રહી છે, જેમાં ઘણા ભારતીય પ્રોફેશનલ્સ છે.
આવતા વર્ષ માટે નવી મંજૂર થયેલી વિઝાની સંખ્યા વર્તમાન વર્ષ માટે પસંદ કરાયેલા 135,137 અને 2024 માટે મંજૂર કરાયેલા 188,400 કરતા થોડી ઓછી છે. દર વર્ષે H-1B વિઝા મેળવનારાઓમાં ઇન્ડિયન એન્જિનીયર્સ, ડેટા સાયન્ટિસ્ટ અને સોફ્ટવેર ડેવલપર્સ સૌથી મોટો હિસ્સો ધરાવે છે.
