British Prime Minister Boris Johnson and his Indian counterpart Narendra Modi shake hands before their meeting at the Hyderabad House in New Delhi, India, April 22, 2022. Stefan Rousseau/Pool via REUTERS

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારતની બે દિવસની મુલાકાત દરમિયાન બ્રિટન અને ભારત સંરક્ષણ અને બિઝનેસમાં સહકારમાં વધારો કરવા માટે સહમત થયા હતા. જોન્સને ઓક્ટોબર સુધીમાં યુકે-ઇન્ડિયા મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)એ કરવાની પણ જાહેરાત કરી હતી.

ભારતની રાજધાનની પ્રથમ મુલાકાતમાં યુકેના વડાપ્રધાને ભારત સાથે સુરક્ષા સંબંધોને વેગ આપવા માટેના માર્ગ શોધવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે ચર્ચાવિચારણા કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ભારત રશિયા પાસેથી અડધા કરતાં વધુ મિલિટરી હાર્ડવેરની ખરીદી કરે છે.

મોદી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં જોન્સને જણાવ્યું હતું કે અમે સંરક્ષણ અને સુરક્ષામાં નવી અને વિસ્તૃત ભાગીદારી માટે સહમત થયા છીએ. આ દાયકાઓ જૂની પ્રતિબદ્ધતા છે, જે માત્ર બંને વચ્ચે સંબંધોને મજબૂત નહીં બનાવે, પરંતુ મેઇક-ઇન-ઇન્ડિયા પ્રોગ્રામને સપોર્ટ કરશે. જોન્સને જણાવ્યું હતું કે બંને દેશોના મંત્રણા કરી રહેલા અધિકારીઓ આ વર્ષના અંત સુધીમાં મુક્ત વેપાર સમજૂતીને આખરી ઓપ આપશે. અમે અમારા મંત્રણાકારોને ઓક્ટોબરમાં દિવાળી સુધી પૂરી કરવા કહી રહ્યાં છીએ. આનાથી આ દાયકાના અંત સુધીમાં અમારો વેપાર અને રોકાણ બમણું થઈ શકે છે.

ભારતની ડિફેન્સ ખરીદીના ડિવિલરી સમયમાં ઘટાડો કરવા બ્રિટન ઓપન જનરલ એક્સપોર્ટ લાઇસન્સ જારી કરશે

જોન્સને જણાવ્યું હતું કે ભારતને તેના પોતાના ફાઇટર જેટનું ઉત્પાદન કરવાના હેતુમાં બ્રિટન મદદ કરશે. ભારતને મિલિટરી ઇક્વિપમેન્ટની મોંઘી આયાત ઘટાડવામાં પણ મદદ કરશે. ભારત પાસે હવે રશિયા, બ્રિટન અને ફ્રાન્સના ફાઇટર જેટનું મિશ્રણ હશે. યુકેના વડાપ્રધાને જણાવ્યું હતું કે બ્રિટન ડિફેન્સ આઇટમના ડિલિવરી સમયમાં ઘટાડો કરવા ઇન્ડિયા સ્પેસિફિક ઓપન જનરલ એક્સપોર્ટ લાઇસન્સની વ્યવસ્થા ઊભી કરશે. હાલમાં માત્ર યુરોપિયન યુનિયન અને અમેરિકા માટે આવા લાઇસન્સ છે.