મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર-વાસદ 54 કિલોમીટર રસ્તાની પૂર્ણ થયેલી સિક્સલેન કામગીરીનું તાજેતરમાં લોકાર્પણ કર્યુ હતું. રાજ્યના માર્ગ-મકાન વિભાગે આ સમગ્ર માર્ગને 6 લેન કરવાનો પ્રોજેક્ટ બે પેકેજમાં હાથ ધરવાનો નિર્ણય કરીને તારાપૂર-વાસદ માર્ગની રૂ. ૧૦૦પ કરોડના ખર્ચે ૬ લેન કામગીરી ઓક્ટોબર-ર૦ર૧માં પૂર્ણ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિથી છેવાડાના અંતરિયાળ ગામોના લોકોને પણ રોડ-રસ્તા, પાણી, શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાથી સાંકળી લઇને વિકાસ કોને કહેવાય તે આપણે લોકોને બતાવી દીધુ છે. હવે લોકોએ પણ ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત એ વાત સ્વીકારી લીધી છે. મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે, ગ્રામીણ ક્ષેત્રોને પણ પાકા રસ્તાની સુવિધા આપવા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં ૧૩૭૦૦ કિલોમીટરના ગ્રામ માર્ગોના રૂ. ૪૦૮૬ કરોડના કામો બે દાયકામાં પૂર્ણ કર્યા છે. રાજકોટ હાઇવે 6 લેન થઈ રહ્યો છે, સરખેજ-ગાંધીનગર હાઇવે 6 લેન બનવાની તૈયારીમાં છે અને ગામડાઓને પણ વધુમાં વધુ રોડ કનેક્ટિવિટીથી જોડવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બગોદરા-તારાપુર છ માર્ગીય રસ્તો સૌરાષ્ટ્ર ઝોનને અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતા સૌથી ટૂંકા છ માર્ગીય રસ્તાનો અનુભાગ છે. આ રસ્તા ઉપર ત્રણ મોટા પુલ, એક રેલવે ઓવરબ્રિજ, એક નાનો પુલ, ૧૪ અંડરપાસ, ૧૯ કિલોમીટર સર્વિસ રોડ, ૧ ટોલ પ્લાઝા તેમજ અત્યાધુનિક એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની સજ્જ આ છ માર્ગીય રસ્તો છે. ઉપરાંત ૩૨ બસ સ્ટેન્ડ, હાઇટેક કેમેરા સાથેની સર્વેલેન્સ સિસ્ટમ, સ્પીડ ડિસ્પ્લે સિસ્ટમ તેમજ વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે સિસ્ટમનો ઉપયોગ આ છ માર્ગીય રસ્તાઓ પર કરવામાં આવ્યો છે.