નવી દિલ્હીમાં ઇઝરાયેલી એમ્બેસી પાસે શુક્રવારે સાંજે થયેલા આઇઇડી વિસ્ફોટની જવાબદારી જૈશ-ઉલ હિંદ નામના આતંકી સંગઠને લીધી છે. આ સંગઠનનો દાવો છે કે તેણે જ આ વિસ્ફોટ કરાવ્યો છે. ભારતની ગુપ્તચર એજન્સી તેની તપાસ કરી રહી છે.
ગુપ્તચર એજન્સીઓને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર એક ચેટ મળી છે. NIAના અધિકારીઓ પહોંચ્યા છે. અગાઉ દિલ્હી પોલિસની સ્પેશ્યલ સેલના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. આ વિસ્ફોટનું કનેક્શન ઇરાન સાથે હોવાની આશંકા છે. તપાસી ટીમને ઘટનાસ્થળેથી ઇઝરાયલી એમ્બેસેડરના નામે એક પત્ર અને અડધો સળગેલો ગુલાબી રંગનો દુપટ્ટો મળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક કવરમાં આ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં જણાવ્યું હતું કે આ વિસ્ફોટ એક ટ્રેલર છે, મુખ્ય ફિલ્મ હજુ બાકી છે. એેટલે કે હજુ બીજો મોટો વિસ્ફોટ થઇ શકે છે. આ પત્ર મળતાં સુરક્ષા તંત્ર સતર્ક થઇ ગયું ગયું છે. આ ચિઠ્ઠીમાં ઇરાનના કાસિમ સુલેમાની અને વરિષ્ઠ ન્યૂક્લિયર વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાહેદનો પણ ઉલ્લેખ છે. હવે તે ચિઠ્ઠીની ફોરેન્સિક તપાસ થશે.
ઉપરાંત આ વિસ્ફોટમાં એમોનિયમ નાઇટ્રેટ અને નાના બોલ બેરિંગ્સનો ઉપયોગ થયો હશે તેવું તારણ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ આપ્યું છે. એમ્બેસી નજીકના જિંદાલ હાઉસ પાસે વિસ્ફોટ થયો હતો. ઇઝરાયેલની સરકારે તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. તપાસ ટીમને સોફ્ટ ડ્રીન્કના કેનના ટુકડા પણ મળ્યા હતા. આ કેન દ્વારા વિસ્ફોટક તૈયાર કરાયો હતો. એમ્બેસીના તમામ કર્મચારીઓ કામ પૂર્ણ કરીને ઘેર ગયા પછી આ વિસ્ફોટ થયો હોવાથી મોટી જાનહાની ટળી ગઇ હતી. ટીમનું માનવું છે કે, ડર અને દહેશત ફેલાવવા આ વિસ્ફોટ કરાયો હતો. આ વિસ્ફોટના કારણે નજીકમાં રહેલી કેટલીક કારના કાચ પણ તૂટી ગયા હતા. બોંબ પર ઇઝરાયેલી એમ્બેસેડર લખેલું હતું. આ લખવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. જોકે, પોતાની એમ્બેસી પાસે થયેલા વિસ્ફોટની ઇઝરાયેલે ગંભીર નોંધ લીધી હતી. આ વિસ્ફોટની તપાસ માટે ઇઝરાયેલ પોતાના ખાસ ગુપ્તચરો મોકલશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. અત્યારે દિલ્હીમાં ખેડૂત આંદોલનના કારણે અસામાન્ય સ્થિતિ છે.