રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 73મી પુણ્યતિથિ નિમિત્તે આજે શનિવારે સવારે ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયાનાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ સહિતના મહાનુભાવોએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ગાંધીજી આજની પેઢીના ટીનેજર્સ માટે પ્રેરણારૂપ હતા. ગાંધીજીના આદર્શો લાખો લોકોને પ્રેરણા આપતા રહ્યા છે. વડા પ્રધાને ટ્વીટર પર લખ્યું કે આજે પૂજ્ય ગાંધીબાપુની 73મી પુણ્યતિથિ પર બાપુને પ્રણામ. એમના વિચારો અને આદર્શો લાખો લોકોને પ્રેરિત કરે છે. આજે શહીદ દિને આપણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં શઙીદ થયેલા હજારો નામી-અનામી ભાઇબહેનોને આદરપૂર્વક યાદ કરીએ છીએ.
30 જાન્યુઆરી1947ના રોજ સાંજે પ્રાર્થના માટે જઇ રહેલ પૂજ્ય બાપુને નથુરામ ગોડસે નામના એક માણસે નજીક જઇને પ્રણામ કરવાનો ડોળ કરીને પોઇન્ટ બ્લેન્કથી ત્રણ ગોળી મારી દીધી હતી. હે રામ બોલીને બાપુ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા. પૂજ્ય બાપુની પુણ્યતિથિને દર વરસે શહીદ દિન તરીકે ઓળખાય છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ પણ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.