કોરોના સંકટમાં લાખો પ્રવાસી મજૂરોને ભારે હાલાકી વેઠવી પડી છે.આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં સરકારે મજૂરોની હાલની સ્થિતિ અંગે જાણકારી આપી હતી.સરકારે જે માહિતી આપી હતી તે પ્રમાણે અત્યાર સુધીમાં 3700 ટ્રેનો મજૂરો માટે દોડાવાઈ છે.જેના થકી 91 લાખ મજૂરોને ઘરે પહોંચાડાયા છે.

84 લાખ મજૂરોને રેલવેમાં મફત ભોજન અપાયુ છે.ટ્રેનોથી પાછા જનારા મજૂરોમાં 80 ટકા યુપી અને બિહારના રહેવાસી છે.માત્ર યુપી અને બિહાર વચ્ચે જ 350 ટ્રેનો દોડાવાઈ છે.જ્યાં સુધી તમામ મજૂરો ઘરે નહી પહોંચે ત્યાં સુધી સરકાર ટ્રેનો દોડાવવાનુ ચાલુ રહેશે.

સુપ્રીમ કોર્ટના સવાલના સંદર્ભમાં સરકારે જવાબ આપ્યો હતો કે, કેટલીક જગ્યાએ રાજ્યો અને કેટલીક જગ્યાએ રેલવે દ્વારા ટિકિટનો ખર્ચ ભોગવવામાં આવી રહ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટે પૂછ્યુ હતુ કે, મજૂરો પાસેથી પૈસા નથી લેવાતા તે વાતની ખાતરી કેવી રીતે થઈ શકે ત્યારે સરકાર વતી સોલિસિટર જનરલે જવાબ આપવા માટે સમય માંગ્યો હતો.