પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના વધુ જોખમી ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ફેલાવાને અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે તમામ રાજ્યોને કોરોના નિયંત્રણો હળવા ન કરવા માટે શુક્રવારે આદેશ આપ્યો હતા. રાજ્યના તમામ જિલ્લાએ ઓછામાં ઓછા લેવલ-3 સુધીના નિયંત્રણો લાદવા પડશે, એમ રાજ્યના મુખ્ય સચિવ સિતારમ કુન્તેએ એક આદેશમાં જણાવ્યું હતું. ભારતના 11 રાજ્યોમાં કોરોનાના વધુ જોખમ ડેલ્ટા પ્લસ વેરિયન્ટને 48 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ 20 કેસ છે.

સરકારે પાંચ લેવલના અનલોક પ્લાનમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. હવે પાંચના બદલે ત્રણ લેવલમાં નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવશે. હાલની સ્થિતિમાં લેવલ-1 અને 2માં આવતા જિલ્લામાં કોઈ પ્રકારના નિયંત્રણો મૂકવામાં આવ્યા નથી, જોકે, અત્યારે આ કેટેગરીમાં જેટલા પણ જિલ્લા છે તે તમામને લેવલ 3માં મૂકી દેવાયા છે.
લેવલ 3ના નિયંત્રણોમાં મોલ્સ, થિયેટર્સને બંધ રખાય છે અને રેસ્ટોરાં, જીમ, સલૂન, સ્પા સાંજે ચાર વાગ્યા સુધી 50 ટકા કેપેસિટીએ જ ખૂલ્લા રહી શકે છે. ખાનગી ઓફિસો 50 ટકા કર્મચારી સાથે કામ કરી શકે છે. લગ્નમાં 50 લોકોને અને અંતિમવિધિમાં 20 લોકોને મંજૂરી મળે છે.

મુંબઈમાં પણ કેટલાક નિયંત્રણો યથાવત રખાયા છે. જેના હેઠળ લોકલ ટ્રેનો ચાલુ તો રહેશે, પરંતુ તેમાં સામાન્ય લોકોને પ્રવાસ કરવા માટે હજુય રાહ જોવી પડશે. હાલ માત્ર હેલ્થકેર અને જીવનજરુરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ લોકલમાં પ્રવાસ કરવાની અનુમતિ છે અને તેમને તેના માટે ખાસ પાસ અને આઈકાર્ડ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં 50 લાખ કેસનું જોખમ

મહારાષ્ટ્રના આરોગ્ય ખાતા દ્વારા રજૂ મુખ્યપ્રધાન સમક્ષ રજૂ કરાયેલા એક પ્રેઝન્ટેશનમાં સંભવિત ત્રીજી લહેરમાં 50 લાખ જેટલા લોકોને કોરોનાનો ચેપ લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, થર્ડ વેવ દરમિયાન એક્ટિવ કેસોનો આંકડો 8 લાખના સ્તર સુધી પહોંચી શકવાનો અંદાજ પણ તેમાં મૂકવામાં આવ્યો હતો.