વિશ્વ આરોગ્ય સંસ્થા ‘હુ’ એ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસનો ખૂબજ વધારે ચેપી ડેલ્ટા વેરિયન્ટ હાલમાં આખી દુનિયામાં વાઈરસનો સૌથી વધુ છવાઈ ગયેલો અને ચિંતાજનક પ્રકાર બની ગયો છે. આ ડેલ્ટા વેરિયન્ટ સૌપ્રથમ ભારતમાં ઓળખાયો હતો અને હુએ તેને ડેલ્ટા વેરિયન્ટ તરીકે ઓળખાવ્યો તે પહેલા તે ઈન્ડિયન વેરિયન્ટ તરીકે પંકાઈ ગયો હતો.

હુના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને જીનીવા ખાતે શુક્રવારે (18 જુન) એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિયન્ટ છવાઈ ગયાનું કારણ તેની ચેપ ફેલાવવાની અસાધારણ રીતે વધુ ક્ષમતા છે.

અત્યારસુધીના અભ્યાસોમાં એવું જણાયું છે કે, સૌપ્રથમ કોરોના વાઈરસ ચીનના વુહાનમાંથી બીજા દેશોમાં ફેલાયો હતો. એ પછી તેનો સૌપ્રથમ વેરિયન્ટ યુકેમાં ઓળખાયો હતો, તેને આલ્ફા વેરિયન્ટનું નામ અપાયું હતું.

બીજો વેરિયન્ટ ભારતમાં ઓળખાયો હતો, જે યુકેના વેરિયન્ટ કરતાં ચેપ ફેલાવવાની 60 ટકા વધારે ક્ષમતા ધરાવતો હોવાનું જણાયું છે. વૈશ્વિક સ્તરે આજે સ્થિતિ ખૂબજ પરિવર્તનશીલ છે તેનું કારણ ફેલાયેલા અલગ અલગ વેરિયન્ટ્સ છે. ડેલ્ટા વેરિયન્ટ હાલમાં 80થી વધુ દેશોમાં ફેલાયો છે અને તે ફેલાવાની સાથે પોતાના સ્વરૂપ, ચરિત્રમાં પણ પરિવર્તન કરતો રહ્યો છે. અમેરિકામાં તેનો અગાઉના સપ્તાહના 6 ટકાથી વધીને ગયા સપ્તાહે (7 થી 13 જુન) નવા કેસોમાં ફેલાવો 10 ટકાનો થયો હતો. અમેરિકાના સીડીસીના ડાયરેક્ટર ડો. રોશેલ વેલેન્સ્કીએ દેશવાસીઓને અનુરોધ કર્યો હતો કે, તેમની ધારણા અનુસાર અમેરિકામાં પણ ડેલ્ટા વેરિયન્ટનું વર્ચસ્વ વધી જશે, જેથી તમામ લોકોએ વેક્સિન લઈ લેવી.
હુએ ગયા મહિને જ ડેલ્ટા વેરિયન્ટને ચિંતાનક ગણાવ્યો હતો. હુના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ડેલ્ટા વેરિયન્ટના ચિન્હો પણ વધુ ગંભીર હોય છે, જો કે એ કોરોનાના કારણે જ હોવા વિષે વધુ સંશોધનો પછી જ તેની સાથે સાંકળી
શકાશે. આમછતાં એવા વ્યાપક સંકેતો મળે છે કે, બીજા વેરિયન્ટ્સની તુલનાએ ડેલ્ટા વેરિયન્ટથી ચેપગ્રસ્ત દર્દીઓને અલગ અલગ પ્રકારના લક્ષણો જણાય છે.

જર્મનીની ક્યોરવેક કંપનીએ પોતાની રસીની અસરકારકતા ઓછી રહેવા બદલ આ અલગ અલગ વેરિયન્ટ્સને જવાબદાર ગણાવ્યા હતા, તો યુકેની પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે ગયા સપ્તાહે જાહેર કરેલા અભ્યાસના તારણો મુજબ ફાઈઝર-બાયોએન્ટેક અથવા એસ્ટ્રાઝેનેકાની વેક્સિન્સ લેનારાઓને પણ ચેપ લાગે તેવા કિસ્સામાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી ગંભીર બિમારીથી બચાવી શકવા માટે આ રસીઓ ઘણી અસરકારક રહે છે.