ભારતને ફાઇનલમાં હરાવીને ટેસ્ટ ચેમ્પિયન બન્યાં બાદ ન્યૂઝિલેન્ડના કેને વિલિયસને ટ્રોફી હાથમાં લઈને સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી હતી. Reuters/John Sibley

ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં છેલ્લા દિવસે કંગાળ બેટિંગ કરી લગભગ બચાવી શકાય તેવી મેચમાં ધબડકો વાળી ન્યૂઝિલેન્ડનો 8 વિકેટે વિજય આસાન બનાવ્યો હતો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રનર્સ અપનો ખિતાબ લીધો હતો. ઈંગ્લેન્ડના સાઉધમ્પટનમાં ગયા સપ્તાહે બુધવારે (23 જુન) પુરી થયેલી ડબ્લ્યુટીસી ફાઈનલમાં કેન વિલિયમસનની આગેવાની હેઠળની ન્યૂઝિલેન્ડની ટીમે ધારદાર ફાસ્ટ બોલિંગ અને ચૂસ્ત ફિલ્ડિંગ સાથે ભારતને હરાવ્યું હતું. પાંચ દિવસની ફાઈનલ પછીના છઠ્ઠા રીઝર્વ ડેના દિવસે પણ મેચ રમાડાઈ હતી કારણ કે મેચમાં બે દિવસથી વધુની રમત તો વરસાદમાં ધોવાઈ ગઈ હતી.

ન્યૂઝિલેન્ડે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. પહેલા દિવસની રમત સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. ભારતે પહેલી ઈનિંગમાં ફક્ત 217 રન કર્યા હતા, જેમાં વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેના 49 સર્વોચ્ચ સ્કરો હતો, તો સુકાની કોહલીએ 44 અને ઓપનર રોહિત શર્માએ 34 રન કર્યા હતા. યુવાન ઓપનર શુભમન ગિલ અને પીઢ મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા બન્ને ઈનિંગમાં નિષ્ફળ રહ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી 47 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી, જેમાં રોહિત શર્મા, કોહલી અને પંતની મહત્ત્વની વિકેટનો સમાવેશ થતો હતો.

જવાબમાં ભારતીય બોલર્સે પણ સારી પકડ સાથે બોલિંગ કરતાં ન્યૂઝિલેન્ડ પણ 249 રન જ કરી શક્યું હતું. ઓપનર ડેવોન કોનવેએ 54 રન કર્યા હતા, તો ભારત તરફથી મોહમદ શમીએ ચાર અને ઈશાંત શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. મુખ્ય સ્ટ્રાઈક બોલર ગણાતો જસપ્રીત બુમરાહ એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. આ રીતે, ન્યૂઝિલેન્ડને પહેલી ઈનિંગમાં 32 રનની સામાન્ય સરસાઈ મળી હતી. જો કે, બીજી ઈનિંગમાં ભારતના કંગાળ દેખાવને ધ્યાનમાં લેતાં એ પણ નોંધપાત્ર બની ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારત ફક્ત 170 રન જ કરી શક્યું હતું. એમાં પણ છેલ્લી પાંચ વિકેટ તો ભારતે ફક્ત 28 રનમાં ગુમાવી દીધી હતી. બીજી ઈનિંગમાં પંતના 41 અને રોહિત શર્માના 30 રન મુખ્ય હતા, તો ન્યૂઝિલેન્ડ તરફથી ટીમ સાઉધીએ ચાર, ટ્રેન્ટ બોલ્ટે ત્રણ અને જેમીસને બે વિકેટ લીધી હતી.

આ રીતે, ન્યૂઝિલેન્ડને વિજય માટે ફક્ત 139 રન કરવાના આવ્યા હતા, જે તેણે 46મી ઓવરમાં, ફક્ત બે વિકેટ ગુમાવીને કરી નાખ્યા હતા. સુકાની વિલિયમસન 52 અને રોસ ટેલર 47 રન કરી અણનમ રહ્યા હતા. જેમીસનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.