પ્રતિકાત્મક તસવીર (istockphoto)

તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ મંગળવારે જણાવ્યું હતું કે UPPCL મની લોન્ડરિંગ કેસમાં દિવાન હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ (DHFL)ના ભૂતપૂર્વ પ્રમોટર્સ કપિલ વાધવાન અને તેમના ભાઇ ધીરજની માલિકીની યુકે સ્થિત કંપનીની રૂા.578 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે.

ટાંચમાં લેવાયેલી એસેટ WGC-UK મારફત વાધવાન પરિવારે બ્રિટનની કંપનીઓમાં કરેલા રોકાણના સ્વરૂપમાં છે તથા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ એસેટનું મૂલ્ય 57 મિલિયન પાઉન્ડ અથવા રૂા.578 કરોડ છે. યસ બેન્કમાં કથિત લોન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં વાધવાન ભાઇઓ હાલમાં જેલમાં છે.

વાધવાન પરિવાર સામેનો ઇડીનો આ કેસ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનના કેટલાંક અધિકારીઓ સામે લખનૌ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર આધારિત છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનના કેટલાંક અધિકારીઓએ કંપનીના જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) અને સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ (સીપીએફ)નું ગેરકાયદે ડીએલએફએલમાં રોકાણ કર્યું હતું.

ઇડીએ દાવો કર્યો હતો કે ડીએચએફએલે આ પાવર કંપનીઓના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને કંપનીના કર્મચારીઓના GPF અને CPF ફંડ્સમાંથી રૂા.4,122.70 કરોડનું રોકાણ ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે મેળવ્યું હતું. આમાંથી રૂા.2,267.90 કરોડ હજુ પાછા આપ્યાં નથી.

ડીએચએફએલ તેના પ્રમોટરની કંપનીઓને હાઇવેલ્યૂ લોન આપતી હતી ત્યારે આ ગેરકાયદે રોકાણ મેળવવામાં આવ્યું હતું. ઇડીએ આરોપ મૂક્યો હતો કે ડીએચએફએલના ચેરમેન કપિલ વાધવાનની સૂચનાને આધારે આ તમામ અનસિક્યોર્ડ લોન મંજૂર કરવામાં આવી હતી અને આમાંથી ઘણી લોન એનપીએ બની છે.

ઇડીએ જણાવ્યું હતું કે આ કેસમાંથી રૂા.1,000 કરોડની રકમ વાધવાન પરિવારે મની લોન્ડરિંગ અને વિવિધ રીતે યુકે ટ્રાન્સફર કરી હતી. આ ભંડોળ 30 કરતાં વધુ બેનિફિશિયલી અને કંટ્રોલ કંપનીઓ મારફત ટ્રાન્સફર થયું હતું. એજન્સીએ અગાઉ એક અન્ય કેસમાં વાધવાન પરિવારની રૂા.1,412 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી હતા.