પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતના લોકોમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની બિમારી ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. દેશમાં 2021માં 101 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાતા હતા, જ્યારે 136 મિલિયન લોકો પ્રિડાયાબિટીસ હતા. આ ઉપરાંત 315 મિલિયન લોકો હાઇ બ્લડ પ્રેશરની બિમારી ધરાવતા હતા. ડાયાબિટીસ અને નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (NCD) પરના સૌથી મોટા એપિડેમિલોજિક અભ્યાસમાં આ તારણો આવ્યા છે. આ રાષ્ટ્રવ્યાપી સરવે લેન્સેટ ડાયાબિટીશ એન્ડ એન્ડોક્રિનોલોજી જર્નલમાં પ્રકાશિત થયો હતો.

આમ દેશના આશરે 11.4 ટકા લોકો ડાયાબિટીસ, 35.5 ટકા લોકો હાઇપરટેન્શનથી પીડાતા હતા. આ ઉપરાંત 15.3 ટકા લોકો પ્રિડાયાબિટીસ હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સહયોગથી  મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન (MDRF) દ્વારા હાથ ધરવામાં આવેલ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં સામાન્ય સ્થૂળતા અને પેટની સ્થૂળતાનું પ્રમાણ અનુક્રમે 28.6 ટકા અને 39.5 ટકા હતું. અંદાજ દર્શાવે છે કે 2021માં ભારતમાં 25.4 કરોડ લોકો સામાન્ય સ્થૂળતા ધરાવતા હતા અને 35.1 કરોડ લોકોમાં પેટની સ્થૂળતા હતી. 2017માં ટીમને જાણવા મળ્યું હતું કે ભારતમાં ડાયાબિટીસનો વ્યાપ લગભગ 7.5 ટકા હતો. આમ 2017 પછી ડાયાબિટીસના પ્રમાણમાં આશરે 50 ટકાનો મોટો વધારો થયો છે.

રાજ્યવાર જોવા જઇએ તો ગોવાના લોકોના ડાયાબિટિસનું પ્રમાણ સૌથી વધુ અને ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું છે. ગોવામાં આ પ્રમાણ 26.4 ટકા અને ઉત્તરપ્રદેશમાં 4.8 ટકા હતું. પ્રિડાયાબિટીસના સંદર્ભમાં 31.3 ટકા સાથે સિક્કિમ મોખરે છે, જ્યારે 6.8 ટકા સાથે મિઝોરમ સૌથી નીચા સ્થાને છે. સંશોધકોએ જણાવ્યું હતું કે પંજાબ (51.8 ટકા)માં હાઇપરટેન્શનનો સૌથી વધુ વ્યાપ છે, જ્યારે મેઘાલય (24.3 ટકા)માં સૌથી ઓછું પ્રમાણ છે.

LEAVE A REPLY

three × five =