Dilip Kumar's film will be celebrated on his birthday
બોલિવૂડ એક્ટર દિલીપ કુમાર REUTERS/B Mathur/File Photo

બોલિવુડમાં ટ્રેજડી કિંગ તરીકે જાણીતા લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે બુધવાર સવારે નિધન હતું. આ દિગ્ગજ કલાકારની અલવિદાથી સમગ્ર બોલિવૂડમાં શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી. દિલીપ કુમારના નિધનથી ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ અને અમિતાભ બચ્ચન સહિતની બોલિવૂડની હસ્તીઓએ દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ દિલીપ કુમારના પત્ની સાયરાબાનો સાથે ફોન પર વાત કરીને તેમને સાંત્વના આપી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટર પર લખ્યું હતું કે દિલીપ કુમારજીને ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ હતા. આ જ કારણે તેમના ચાહકો દરેક ઉંમરના હતા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે એક મોટો ઝટકો છે.

લાંબી માંદગી બાદ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા આઠ દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને 30 જૂને હિંદુજા હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા હતા.

દિલીપ કુમારના ટ્વીટર હેન્ડલ પરથી તેમના પારિવારિક મિત્ર ફૈઝલ ફારુકીએ ટવીટ કર્યું હતું કે , “ભારે હૈયે અને અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા વહાલા દિલીપ સા’બ હવે આ દુનિયામાં નથી રહ્યા. થોડી મિનિટો પહેલા જ તેમનું નિધન થયું છે. આપણે ઈશ્વરના છીએ અને તેમની પાસે જ પાછા જવાનું છે.”

સોમવારે દિલીપ કુમારના પત્ની સાયરા બાનુએ ફેન્સને જણાવ્યું હતું કે, પીઢ અભિનેતાની તબિયત સુધરી રહી છે. સાથે જ સાયરા બાનુએ દિલીપ કુમારના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી જેથી તેઓ ઝડપથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ શકે.

દિલીપ કુમારનું મૂળ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું અને તેમનો જન્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા પેશાવરમાં 11 ડિસેમ્બર 1922માં થયો હતો. 1944માં ફિલ્મ ‘જ્વાર ભાટા’થી તેમણે બોલિવુડ પદાર્પણ કર્યું હતું. દિલીપ કુમાર બોલિવુડના પ્રથમ સુપરસ્ટાર બન્યા અને એકથી એક સુપરહીટ ફિલ્મો આપી હતી. દિલીપ કુમારને બોલિવુડના ‘ટ્રેજડી કિંગ’ તરીકે ઓળખાતા હતા. દિલીપ કુમારે પોતાના કરિયરમાં શહીદ, મેલા, અંદાજ, જોગન, બાબુલ, દાગ, દેવદાસ, આઝાદ, નયા દૌર, મધુમતી, પૈગામ, કોહિનૂર, મુગલ-એ-આઝમ, ગંગા જમુના, રામ ઔર શ્યામ, આદમી, ગોપી, ક્રાંતિ, શક્તિ, વિધાતા, કર્મા અને સૌદાગર જેવી ફિલ્મો કરી હતી.

બોલિવૂડ સિલિબ્રિટી તથા દેશના જાણીતા નેતાઓએ સોસિયલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમિતાભ બચ્ચને પોસ્ટ કરીને કહ્યું હતું, ‘એક સંસ્થા જતી રહી. જ્યારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખાશે ત્યારે હંમેશાં કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી. તેમની આત્માને શાંતિ મળે એ માટે હું પ્રાર્થન કરું છું. પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના મળે. ઘણું જ દુઃખ થયું…’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે દિલીપ કુમારે પોતાનામાં ભારતના ઈતિહાસને સમાવ્યો છે. બોર્ડર પાર તેમને લોકોએ પ્રેમ કર્યો છે. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દિલીપ કુમારના પરિવાર, મિત્રો, ચાહકો પ્રત્યે સંવેદના છે. ભારતીય સિનેમા માટે દિલીપ કુમારનું યોગદાન હંમેશાં યાદ કરવામાં આવશે.