પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મોસ સાઇડ્સ માન્ચેસ્ટર એકેડેમીમાં પીઇ શિક્ષીકા તરીકે સેવા આપતી ભારતીય મૂળની 37 વર્ષીય દિપ્તી પટેલને પોતાની વિરુદ્ધના છેતરપિંડીના આરોપોને છુપાવવા બદલ ટીચિંગ રેગ્યુલેશન એજન્સી (TRA) એ બે વર્ષ માટે શિક્ષક તરીકે ભણાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ડિસેમ્બર 2018માં માન્ચેસ્ટર એકેડમીમાં PEના વડા તરીકે પદ સંભાળનાર દિપ્તી પટેલ અંગે ડીસીપ્લીનરી પેનલને જણાવાયું હતું કે દિપ્તી પટેલે પોતાના ઘરમાં ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ કરી હતી અને તેના પરિવારે £50,000ના વીમાનો દાવો કર્યો હતો. જો કે તપાસમાં જાણવા મળ્યું હતું કે તે એક કાલ્પનિક ચોરી હતી અને વીમાનો દાવો ખોટો હતો. તેણીએ સેન્ટ આલ્બન્સ ક્રાઉન કોર્ટમાં દાવાને અતિશયોક્તિભર્યો હોવાનું સ્વીકાર્યું હતું.

લોકલ ડેમોક્રેસી રિપોર્ટિંગ સર્વિસે જણાવ્યું હતું કે પટેલે સપ્ટેમ્બર 2020માં અપ્રમાણિકપણે ખોટી રજૂઆત કરી હોવાનું કબૂલ્યું હતું અને તેને નવ મહિનાની સસ્પેન્ડેડ સજા, 120 કલાક અવેતન કામ કરવાનો અને 10 દિવસ માટે રીહેબીલીટેશન પ્રવૃત્તિ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કહેવાય છે કે તેણીએ કોર્ટમાં કરેલી પોતાની ગીલ્ટી પ્લી અંગે શાળાને તરત જ જાણ કરી હતી, પરંતુ તેણીએ તેના બોસને કહ્યું હતું કે તે પોતાના બાળકને મેડિકલ એપોઇન્ટમેન્ટ માટે લઈ જઈ રહી છે, પણ ખરેખર તેણે કોર્ટની સુનાવણી માટે રજા લીધી હતી.

TRA પેનલને જણાવાયું હતું કે ઓક્ટોબર 2019માં પોલીસ કોશન હેઠળ તેનો ઈન્ટરવ્યુ લેવાયા બાદ તે એકેડેમીને જાણ કરવામાં નિષ્ફળ ગઈ હતી અને ઓગસ્ટ 2020માં મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થઈ હતી. જ્યારે તેણીએ એન્યુઅલ સેફ ગાર્ડીંગ ડોક્યુમેન્ટ પર સહી કરી ત્યારે પણ તેણીએ ફોજદારી આરોપોનો સામનો કરી રહી છે તે જાહેર કર્યું નહતું.

માન્ચેસ્ટર એકેડેમીએ જણાવ્યું હતું કે પટેલની સજાની જાણ થતાં જ તેણીને “સસ્પેન્ડ કરવામાં આવી હતી અને હવે તે શાળામાં કામ કરતી નથી”.

LEAVE A REPLY

15 + six =