ઓઇલ
(ANI Photo)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર, 4 ઓગસ્ટે ફરી એકવાર રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદી બદલ ભારતથી આવતા માલ પર ટેરિફ વધારવાની ધમકી આપી હતી. ટ્રમ્પની ધમકીને અયોગ્ય ગણાવીને ભારતે તેના આર્થિક હિતોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભારતે વળતો જવાબ આપ્યો હતો કે ભારતની ટીકા કરનારા દેશો પોતે જ રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. આમ રશિયન ક્રુડ ઓઇલની ખરીદીને મુદ્દે બંને દેશો વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો હતો.

સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે ભારત માત્ર મોટા પ્રમાણમાં રશિયન તેલની ખરીદી જ કરતું નથી, પરંતુ તેઓ ખરીદેલું મોટાભાગનું ક્રૂડ ઓઇલ ખુલ્લા બજારમાં મોટા નફા સાથે વેચાણ પણ કરી રહ્યું છે. તેને વેચી રહ્યા છે. રશિયન યુદ્ધ મશીન દ્વારા યુક્રેનમાં કેટલા લોકો મરી રહ્યાં છે તેની ભારતને કોઇ પરવા નથી. આ કારણે હું ભારત દ્વારા યુએસએને ચૂકવવામાં આવતા ટેરિફમાં નોંધપાત્ર વધારો કરીશ.

ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે. ભારતને નિશાન બનાવવું ગેરવાજબી અને અન્યાયી છે.
ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેનમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે મોસ્કો પગલાં નહીં લે તો તેઓ શુક્રવારથી રશિયા તેમજ તેની ઉર્જા ખરીદતા દેશો પર નવા પ્રતિબંધો લાદશે.

ગયા સપ્તાહના અંતે, બે ભારતીય સરકારી સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું હતું કે ટ્રમ્પની ધમકીઓ છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે.

2022ની શરૂઆતમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ભારત પર પશ્ચિમના દેશો તરફથી મોસ્કોથી દૂર રહેવા માટે દબાણ ચાલુ છે. નવી દિલ્હીએ રશિયા સાથેના તેના લાંબા સમયથી ચાલતા સંબંધો અને આર્થિક જરૂરિયાતોને ટાંકીને પ્રતિકાર કર્યો છે.

ટ્રમ્પે જુલાઈમાં જ ભારતીય આયાત પર 25% ટેરિફની જાહેરાત કરી હતી અને યુએસ અધિકારીઓએ યુએસ-ભારત વેપાર કરારના માર્ગમાં અવરોધરૂપ બનેલા અનેક ભૂ-રાજકીય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે.

વેપાર સૂત્રો દ્વારા રોઇટર્સને આપવામાં આવેલા ડેટા અનુસાર, ભારત રશિયા પાસેથી દરિયાઈ માર્ગે ક્રુડ ઓઇલનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. ભારતે આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં દરરોજ લગભગ 1.75 મિલિયન બેરલ રશિયન તેલ આયાત કર્યું છે, જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં એક ટકા વધુ છે.

LEAVE A REPLY