બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે (કોર્ટ ઓફ કેસેશન)એ મંગળવાર, 9 ડિસેમ્બરે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની ભારત પ્રત્યર્પણને પડકારતી અપીલને ફગાવી દીધી હતી. સરકારી બેન્ક પંજાબ નેશનલ બેંકમાં રૂ.૧૩૦૦૦ કરોડના કથિત કૌભાંડ પછી ભારતે મહુલ ચોક્સીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો. બેલ્જિયમની કોર્ટના આ ચુકાદાથી તેને ભારતમાં લાવવાનો માર્ગ મોકળો થયો હતો.
કોર્ટ ઓફ કેસેશનના પ્રવક્તા એડવોકેટ-જનરલ હેનરી વેન્ડરલિન્ડેને જણાવ્યું હતું કે, કોર્ટ ઓફ કેસેશને અપીલ ફગાવી દીધી હતી. તેથી, કોર્ટ ઓફ અપીલનો નિર્ણય યથાવત રહે છે. એન્ટવર્પ કોર્ટ ઓફ અપીલે ચોક્સીના પ્રત્યર્પણ માટેની ભારતની વિનંતીને સમર્થન આપ્યું હતું અને તેને “લાગુ કરવા યોગ્ય” ગણાવી હતી.
અપીલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તો વાજબી ટ્રાયલનો ઇનકાર કરવામાં આવશે અથવા તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવશે તેવું કોઈ જોખમ નથી.
કૌભાંડનો ખુલાસો થયો તેના થોડા દિવસો પહેલા જાન્યુઆરી 2018માં એન્ટિગુઆ અને બાર્બુડા ભાગી ગયેલો ચોક્સી બેલ્જિયમમાં જોવા મળ્યો હતો.મુંબઈની ખાસ અદાલત દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટના આધારે ભારતે 27 ઓગસ્ટ, 2024ના રોજ બેલ્જિયમને પ્રત્યર્પણ વિનંતી મોકલી હતી.













