(Photo by JOHN MACDOUGALL/AFP via Getty Images)

બોમ્બે સ્ટુડિયોમાં નોકરી માટે દિલીપકુમાર હાજર થયા ત્યારે દેવિકાને શું લાગ્યું ખબર નહી પરંતુ યુસુફખાનના સ્થાને જહાગીર, વાસુદેવ અને દિલીપકુમાર એમ ત્રણમાંથી એક નામ રાખવાની ઓફર કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે દિલીપકુમારને જહાંગીર નામ પસંદ હતું પરંતુ દેવિકારાનીના સલાહકારોએ દિલીપકુમાર નામનો આગ્રહ રાખ્યો હતો. આ એક હિંદુ નામ હતું અને એ જમાનાના ફેમસ એકટર અશોકકુમારને મળતું આવતું હતું. જયારે બોંબે ટોકિઝની પ્રથમ ફિલ્મ જવારભાટા મળી ત્યારે તેમની ઉંમર ૧૯.૫ વર્ષની હતી. આમ યુસુફખાન દિલીપકુમાર બન્યા હતા. પરીવારના સભ્યોને અભિનય ક્ષેત્રે કામ કરે તે પસંદ ન હતું. તેથી પણ યુસુફખાન નામ બદલીને દિલીપકુમાર થયું હતું.

આઠ ભાષા જાણતા હતા

દિલીપકુમારે પોતાની ફિલ્મ કરિયરની શરુઆત કરી તે પહેલા તેઓ એક બિઝનેસમેન હતા. પેશાવરમાં જન્મેલા દિલીપકુમાર ઉર્દુ, હિંદી, પંજાબી, અવધી, ભોજપુરી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી એમ 8 ભાષા જાણતા હતા. તેમને પુસ્તક વાંચનનો ખૂબ શોખ હતો. તેમની લાયબ્રેરી ઉર્દુ, ફારસી અને અંગ્રેજી સાહિત્યથી ભરેલી છે. તેમને મોંઘી ટાઇ, શૂટ અને સ્ટાઇલિશ બૂટના હંમેશા શોખ હતો.  કપડા બાબતે તેઓ હંમેશા વ્હાઇટ ઇઝ વ્હાઇટ એવું માનતા હતા. તેઓ ઘણા વર્ષોથી વ્હાઇટ ઝભ્ભા અને લેંઘામાં વિશેષ જોવા મળતા હતા. દિલીપકુમાર ૧૯૭૯માં મુંબઇના શેરિફ બન્યા હતા. ૨૦૦૦ થી ૨૦૦૬ સુધી રાજયસભાના સાંસદ રહ્યા હતા.