અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કોરોના વાઈરસના રોગચાળા, તેના ફેલાવા, રોગચાળાનો સામનો સહિતના પ્રશ્નો ચીન સામે અમેરિકાની તપાસમાં નક્કર પુરાવા સાથેના તારણો રજૂ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક એક લાખ સુધીનો થઇ શકે તેવો અંદાજ મૂકયો હતો.

ફોક્સ ન્યૂઝ દ્વારા આયોજીત ‘વર્ચ્યુઅલ ટાઉનહોલ’ને સંબોધતા પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીન ભૂલ કરી, ભૂલને છાવરવા તથા આગ ઓલવવા જેવો પ્રયાસ કર્યો હોવાનું પોતે (ટ્રમ્પ) માને છે.કોવિડ-19ના ઉત્પત્તિસ્થાન અંગે ચીનના દાવાનું ખંડન કરતાં અમેરિકાએ આક્ષેપ મૂક્યો હતો કે, કોરોના વાઇરસનો ફેલાવો વુહાનમાં માંસ અને અન્ય પેદાશમાંથી (ચીનના દાવા પ્રમાણે) નહીં પરંતુ વુહાનની જ વાઇરોલોજી લેબમાંથી શરૂ થયો હતો.

અમેરિકાએ એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે બૈજિંગે રોગચાળાની વિગતો છૂપાવીને વિશ્વને તેની સામે સાવચેત કરવામાં વિલંબ દાખવ્યો હતો.વિદેશપ્રધાન પોમ્પિઓએ જણાવ્યું હતું કે, કોરોનાનો ઉપદ્રવ વુહાનની પ્રયોગશાળામાંથી શરૂ થયો હોવાના અમેરિકા પાસે પર્યાપ્ત પુરાવા છે. પોમ્પિઓએ કોઇ પુરાવા આપ્યા નથી પરંતુ ચીન સામે બળાપો ઠાલવ્યે રાખીને શિક્ષાત્મક દંડાત્મક કાર્યવાહીની પણ ધમકીઓ આપી છે.

ચીને તમામ આક્ષેપો ફગાવતાં જણાવ્યું હતું કે, મહામારી કાબૂમાં લેવામાં પોતાની નિષ્ફળતાને ઢાંકવા ટ્રમ્પ વહિવટીતંત્ર દોષનો ટોપલો બીજાના શિરે ઢોળવાનો પ્રયાસ કરે છે.કોરોના મહામારી સામે વહીવટીતંત્રના પ્રતિસાદ, કોરોના અંગે પ્રવાસ નિયંત્રણો લાદવા ફેબ્રુઆરીના પ્રારંભે માહિતી અને સલાહ અપાવા અંગે પ્રશ્નો ઊભા થયા છે ત્યારે ટ્રમ્પે આવા સવાલોને બાજુએ રાખીને પ્રવાસ નિયંત્રણો લદાવા તથા મૃત્યુઆંક વધારે ઊંચો હશે તેવા પોતે કરેલા દાવાની વાત કરી હતી.

ફોકસ ન્યૂઝ ટાઉનહોલ ખાતે ટ્રમ્પે ટાસ્ક ફોર્સના સભ્ય ડો. એન્થોની ફૌસી ઉપર પણ થોડો દોષ લગાવ્યો હતો.
પ્રમુખ ટ્રમ્પે કોરોનાથી જાનહાનિનો આંક 75-80 કે એક લાખ સુધી જઇ શકે તેવી ભીતિ દર્શાવતા ફરી એક વખત દોષનો ટોપલો ચીન ઉપર લાદતા જણાવ્યું હતું કે, કોરોનાથી એક પણ જાન જવી જોઇતી નહોતી, આ બધું જ ચીનમાં અટકી જવું જોઇતું હતું.