મેડિકલ સોસાયટી ઓફ ધ સ્ટેટ ઓફ ન્યૂયોર્ક (MSSNY)ના પ્રેસિડેન્ટ પદે ઇન્ડિયન અમેરિકન ફીઝિશિયન ડો. પરાગ મહેતા ચૂંટાયા છે. MSSNY એ રાજ્યના ફીઝિશિયન્સનું પ્રોફેશનલ સંગઠન છે.
ડો. મહેતા ન્યૂયોર્ક પ્રેસબીટેરીઅન બ્રૂકલીન મેથોડિસ્ટ હોસ્પિટલના ચીફ મેડિકલ ઇન્ફર્મેશન ઓફિસર અને મેડિસીન ડીપાર્ટમેન્ટના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. આ ઉપરાંત તેઓ વેઇલ કોર્નેલ મેડિસીન ખાતે ક્લિનિકલ મેડિસીનના એસોસિએટ પ્રોફેસર પણ છે.
ડો. મહેતાએ અમદાવાદની એનએચએલ મેડિકલ કોલેજમાંથી ગાયનેકોલોજી અભ્યાસ પૂર્ણ કરીને ન્યૂયોર્ક આવ્યા હતા.
તેઓ ઇન્ટરનલ મેડિસીન, હોસપીસ અને પેલિએટીવ કેર એન્ડ ઇન્ટીગ્રેટિવ એન્ડ હોલિસ્ટિક મેડિસીનમાં બોર્ડ દ્વારા અધિકૃત તબીબ છે. તેઓ કોર્નેલ યુનિવર્સિટીમાં હેલ્થ ઇન્ફર્મેશન ટેકનોલોજીના અને એમઆઇટી સ્લોઅન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિષય સાથે સંકળાયેલા છે.
તેઓ બ્રૂકલીન, ક્વીન્સ અને સ્ટેટેન આઇલેન્ડના ન્યૂયોર્ક ચેપ્ટર ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ ફીઝિશિયન્સ (NYACP)ના ગવર્નર છે. વધુમાં તેઓ એએમએ, કિંગ્સ કાઉન્ટી મેડિકલ સોસાયટી અને અમેરિકન એસોસિએશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય પણ છે.
2011માં NYACP દ્વારા શાસન, ગુણવત્તા, જાહેર નીતિ અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાનને ધ્યાનમાં રાખીને સંસ્થાના સર્વોચ્ચ પુરસ્કાર-લોરીએટ એવોર્ડથી તેમનું સન્માન કર્યું હતું.
ડો. મહેતા અત્યારે કિંગ્સ અને રિચમન્ડ કાઉન્ટીના કાઉન્સિલર તરીકે સેવારત છે અને અમેરિકન મેડિકલ એસોસિએશનના ન્યૂયોર્ક ઓલ્ટરનેટ ડેલીગેટ તરીકે પણ કાર્યરત છે.
ડો. મહેતા તેમનાં પત્ની ડો. ઇશા મહેતા સાથે મેનહેસ્સેટ હિલ્સ ખાતે રહે છે. ઇશા મહેતા એલ્મહર્સ્ટ હોસ્પિટલમાં ગાયનેકોલોજીનાં વડા છે, અને તેઓ ‘અ સ્ટિચ ઇન ટાઇમ’ સંસ્થાનાં સ્થાપકછે, જે વિશ્વભરમાં સ્ત્રી રોગ સંબંધિત બીમારીઓની નિશૂલ્ક સારવાર કરે છે. તેમની બે પુત્રીઓ રુજુ એન્વાર્યમેન્ટ એન્જિનીયર છે અને સેતુ હાર્વર્ડ કોલેજમાં મેડિકલની વિદ્યાર્થિની છે.
1807માં સ્થાપિત મેડિકલ સોસાયટી ઓફ ધ સ્ટેટ ઓફ ધ ન્યૂયોર્કનો હેતુ તમામ લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે દર્દીઓ અને ફીઝિશિયન્સના હિતોનું પ્રતિનિધિત્વ કરવાનો છે.