(Photo by Chip Somodevilla/Getty Images)

યુનાઇટેડ સ્ટેટ્સના સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિએ તાજેતરમાં દેશભરમાં હેલ્થ વર્કરની અછતનું સંકટ નિવારવા તાત્કાલિક જરૂરિયાત ઉજાગર કરતી નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.મેન્ટલ હેલ્થ અવેરનેસ મંથ દરમિયાન જાહેર કરવામાં આવેલી સર્જન જનરલની માર્ગદર્શિકામાં હેલ્થ વર્કર પર કોવિડ-19 મહામારીની અસરોને ઉજાગર કરવામાં આવી છે, જેમાં આવા વર્કર્સે મહામારી અગાઉ પણ ખરાબ સંકટનો સામનો કર્યો હતો તેવું જણાવવામાં આવ્યું છે.

લઘુત્તમ વેતન મેળવતા હેલ્થ વર્કર્સની અંદાજિત અછત આગામી પાંચ વર્ષમાં ત્રણ મિલિયનથી વધુની રહેશે અને 2033 સુધીમાં લગભગ 140,000 ફીઝિશિયન્સની અછત ઊભી થશે, તેવી તેમણે ચેતવણી આપી છે. ફીઝિશિયન્સ, નર્સ, કમ્યુનિટી અને જાહેર હેલ્થ વર્કર્સ, નર્સ સહાયકો સહિતના હેલ્થ વર્કર્સે કોવિડ-19 મહામારી અગાઉ પણ લાંબા સમયથી હેલ્થ કેર સીસ્ટમમાં પરંપરાગત પડકારોનો સામનો કર્યો છે, જેના કારણે આ સમસ્યા વધુ વકરી છે.

આ મહામારીએ હેલ્થ કર્મચારીઓની સ્થિતિ વધારે ખરાબ કરી છે, જેમાં ઘણા લોકો જાહેર આરોગ્ય સંકટમાં કામ કરીને અન્ય લોકોની સેવામાં પોતાના જીવને જોખમમાં મૂકે છે અને બલિદાન પણ આપે છે. આપણા દેશના મોખરાના હેલ્થ વર્કર્સના માનસિક આરોગ્ય અને સુવિધાને પ્રોત્સાહન આપવું એ બાઇડેન-હેરિસ એડમિનિસ્ટ્રેશનની પ્રાથમિકતામાં છે અને પ્રેસિડેન્ટ બાઇડેનની રાષ્ટ્રીય માનસિક આરોગ્ય વ્યૂહરચનાના મુખ્ય હેતુનો સમાવેશ તેમના યુનિટી એજન્ડા છે.