વાહન ચલાવતી વખતે પોતાના મોબાઈલ ફોનને સ્પર્શ કરનાર વાહનચાલકો પર વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકવાનું સરકાર વિચારી રહી છે. ઘણા બધા વાહનચાલકો ફોનનો ઉપયોગ ચાલુ રાખશે તેવી ચિંતા વચ્ચે મિનીસ્ટર્સ ડ્રાઇવીંગ કરતી વખતે હેન્ડહેલ્ડ મોબાઇલ ફોન્સ પર પ્રતિબંધ મૂકવાની યોજનાઓની ઘોષણા કરનાર છે.

પરિવહન વિભાગે શનિવારે એક જાહેર પરામર્શ શરૂ કર્યો હતો. જેમાં મોબાઇલ પર રમત રમવાના અને પ્લેલિસ્ટ્સ સ્ક્રોલ કરવા પર પ્રતિબંધ મૂકવાનું વિચારવામાં આવી રહ્યું છે. પરંતુ કાર ચલાવતી વખતે ડ્રાઇવરો સ્માર્ટફોનનો ઉપયોગ સેટ નેવ તરીકે કરી શકશે, પરંતુ કાર ચાલુ હોય ત્યારે પ્રોગ્રામિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ડ્રાઇવ-થ્રુ કાફે અને રેસ્ટોરાંમાં ડ્રાઇવરોને તેમનું વાહન સ્ટેશનરી મોડ પર એટલે કે વાહન ચાલુ ન હોય ત્યારે નાણાંની ચુકવણી માટે કે ફૂડ ડીલીવરી કરવા માટે ફોનનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. આ ગુનાના ભંગ બદલ વાહનચાલકોને £200 ડોલરનો દંડ અને છ પેનલ્ટી પોઇન્ટ પ્રાપ્ત થઈ શકે છે.

આરએસીના સર્વેમાં 2020માં 29 ટકા ડ્રાઇવરોએ ફોન પર વાત કરવા હેન્ડહેલ્ડ ફોનનો ઉપયોગ કરવાની કબૂલાત કરી હતી, જેમાં 12 મહિનામાં પાંચ ટકાનો અને 2016 પછીનો સૌથી વધુ વાર્ષિક કુલ વધારો હતો. 24 અને તેથી ઓછી વયના 18 ટકા ડ્રાઇવરોએ ડ્રાઇવીંગ કરતી વખતે વિડિઓ કૉલ્સ કરવાની સ્વીકૃતિ આપી છે.