રવિવારે જમ્મુ એર ફોર્સ સ્ટેશનના ટેકનિકલ એરિયામાં ઓછી તીવ્રતાના બે વિસ્ફોટ બાદ સુરક્ષાદળો આવી પહોંચ્યા હતા. (PTI Photo)

જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના એક દિવસ બાદ ફરી સોમવારે વહેલી સવારે જમ્મુ મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન દેખાયા હતા. લશ્કરીએ જવાનોએ ફાયરિંગ કરતાં ડ્રોન ગાયબ થઈ ગયા હતા, એમ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ત્રાસવાદીઓ જમ્મુમાં મિલિટરી સ્ટેશન પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો જમ્મુના કાલૂચક મિલિટરી સ્ટેશન પર સોમવારે સવારે 3:00 વાગ્યે 2 ડ્રોન દેખાયા હતા. જોકે આર્મી એલર્ટ હતી અને ડ્રોન દેખાતા જ તેના પર 20થી 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી સર્ચ ઓપરેશન દ્વારા આ ડ્રોનની તપાસ ચાલુ કરવામાં આવી હતી.

અગાઉ રવિવારે ત્રાસવાદીઓએ રવિવારે ડ્રોનથી પ્રથમ વખત જમ્મુમાં લશ્કરી થાણા પર હુમલો કર્યો હતો. જમ્મુ એરપોર્ટ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશનમાં રવિવારે મોડી રાતે 2 વિસ્ફોટો થયા હતા. પહેલો વિસ્ફોટ રાતે 01:37 કલાકે થયો હતો અને તેની 5 મિનિટ બાદ બીજો વિસ્ફોટ થયો હતો. જોકે આ બંને વિસ્ફોટોના કારણે ખાસ કોઈ નુકસાન નહોતું થયું. હવાઇદળે ટ્વીટમાં લખ્યું હતું કે, પહેલો વિસ્ફોટ બિલ્ડિંગની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો. વિસ્ફોટના કારણે ફક્ત બિલ્ડિંગની છતને જ નુકસાન થયું છે અને હવાઇદળના 2 કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પહેલી વખત આતંકવાદીઓ દ્વારા આ પ્રકારનો ડ્રોન હુમલો થયો છે અને એનઆઈએ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.