મુંબઈમાં 28 જૂન 2021ના રોજ વાડિયા હોસ્પિટલમાં સેક્સ વર્કર માટે રસીકરણ અભિયાન (PTI Photo/Shashank Parade)

ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા 46,148 કેસ નોંધાયા હતા અને 979 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,02,79,331 થઈ હતી, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 3,96,730 થયો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં નવા કેસ કરતાં રિકવર કેસની સંખ્યા સતત 46માં દિવસે ઊંચી રહી હતી. દેશમાં અત્યાર સુધી કોરોનાથી રિકવરી થયેલા લોકોની સંખ્યા વધીને 2,93,09,607 થઈ હતી. કોરોનાનો મૃત્યુદર 1.31 ટકા રહ્યો હતો.

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી કુલ 979 લોકોના મોત થયા હતા અને દૈનિક આંકડો છેલ્લાં 76 દિવસમાં સૌથી ઓછા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 5.72 લાખ છે, જે કુલ કેસના આશરે 1.89 ટકા છે. કોરોનાનો રિકવરી રેટ સુધરીને 96.80 થયો હતો. ડેઇલી પોઝિટિવિટી રેટ 2.94 ટકા રહ્યો હતો. આ રેટ છેલ્લાં 21 દિવસથી પાંચ ટકાથી નીચે રહ્યો હતો. દેશમાં થયેલા કુલ 979 મોતમાંથી મહારાષ્ટ્રમાં 405, તમિલનાડુમાં 91, કર્ણાટકમાં 89, ઉત્તરપ્રદેશમાં 75 ટકા અને કેરળમાં 62 મોતનો સમાવેશ થાય છે.