અમેરિકન સ્પેસ એજન્સી-નાસાએ અવકાશયાત્રી ડો. અનિલ મેનનને 2026માં અવકાશમાં મોકલવાની જાહેરાત કરી છે. આ સફર માટે મેનન લાંબા સમયથી રાહ જોતા હતા. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના વિસ્તૃત મિશન માટે એક્સપિડિશન 75માં જોડાશે. ડો. મેનનની 2021માં નાસાના એસ્ટ્રોનોટ કોર્પ્સમાં પસંદગી કરવામાં આવી હતી. તેઓ ત્રણ વર્ષની સઘન ટ્રેનિંગ પછી ગ્રેજ્યુએટ થયા હતા. હવે તેઓ જૂન 2026માં રોસ્કોસ્મોસ સોયુઝ MS-29 અવકાશયાનમાં મુસાફરી કરશે. તેમની સાથે આ સફરમાં રશિયન અવકાશયાત્રીઓ પ્યોટ્ર ડબ્રોવ અને અન્ના કિકીના જોડાશે. તેઓ કઝાકિસ્તાનના બાઇકોનુર કોસ્મોડ્રોમથી અવકાશમાં જશે. આ ક્રૂ લગભગ આઠ મહિના સુધી ભ્રમણકક્ષાની લેબોરેટરીમાં રહેશે અને કામ કરશે. આ ઉપરાંત તેઓ ISSમાં NASA દ્વારા થઇ રહેલા વૈજ્ઞાનિક સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં પણ મદદ કરશે. ડો. મેનનની આ પ્રથમ અવકાશયાત્રા હશે, પરંતુ તેઓ અવકાશની કામગીરીથી પણ વાકેફ છે. યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેસ ફોર્સમાં કર્નલ તરીકે કાર્યરત ડો. મેનને 2014માં નાસા ફ્લાઇટ સર્જન તરીકે એરોસ્પેસ કારકિર્દી શરૂ કરી હતી. મિન્નેપોલિસમાં જન્મેલા અને ઉછરેલા ડો. મેનન મિકેનિકલ એન્જિનિયર અને ઇમરજન્સી મેડિસિન ફીઝિશિયન બંનેની ડિગ્રી ધરાવે છે. તેઓ મેમોરિયલ હર્મનના ટેક્સાસ મેડિકલ સેન્ટરમાં ડોકટર તરીકે પણ કાર્યરત છે. તેઓ ટેક્સાસ યુનિવર્સિટીના મેડિકલ રેસિડેન્સી પ્રોગ્રામમાં શિક્ષણ કાર્ય કરે છે.
