એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા યસ બેન્કના પ્રમોટર રાણા કપુર અને અન્ય અધિકારીઓ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને સમન્સ પાઠવીને ઈડીની મુંબઈ સ્થિત ઓફિસમાં સોમવારે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અનિલની ગ્રુપ કંપનીઓએ યસ બેન્કમાંથી લોન લીધી હતી અને આ લોન પછીથી બેડ લોનમાં પરિણમી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ સમક્ષ ઉપસ્થિત રહેવા બાબતે અનિલ અંબાણી હેલ્થનો મુદ્દો ટાંકીને બીજી તારીખ લઈ શકે છે.

અંબાણીની ગ્રુપ કંપનીઓએ 12,800 કરોડ રૂપિયાની લોન બેન્ક પાસેથી લીધી હતી. જે પછીથી નોન પરફોર્મિગ એસેટમાં પરિણમી હતી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 6 માર્ચના રોજ થયેલી પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું હતું કે અનિલ અંબાણી ગ્રુપ, , Essel, ILFS, DHFL અને વોડાફોન સહિતના કોર્પોરેટ ગ્રુપને યસ બેન્કે લોન આપી હતી.

આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે જે મોટી કંપનીઓએ યસ બેન્ક પાસેથી મોટી રકમની લોન લીધી છે અને બાદમાં ભરપાઈ કરી નથી, તે તમામ કંપનીઓના પ્રમોટર્સની આ કેસની તપાસને આગળ વધારવા માટે પુછપરછ કરાશે. અનિલ અંબાણીનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ લેવામાં આવશે. 62 વર્ષીય કપૂરની ઈડીએ ધરપકડ કર્યા બાદ તે હાલ ઈડીની કસ્ટડીમાં છે.