નાણાંપ્રધાન
JUSTIN TALLIS/Pool via REUTERS/File Photo
બ્રિટનના નાણાંપ્રધાન  રેચલ રીવ્ઝે મંગળવારે (4 નવેમ્બર) જણાવ્યું હતું કે આગામી બજેટમાં કરવેરામાં વ્યાપક વધારો થઈ શકે છે જેથી કરકસરના પગલાં લેવાનું  ટાળી શકાય. તેમણે પોતાના બીજા વાર્ષિક બજેટમાં “કપરા નિર્ણયો” લેવા પડશે એવો સંકેત આપ્યો હતો, જેનો ઉદ્દેશ સરકારી ખર્ચમાં કાપ નિવારવાનો અને બ્રિટનનું દેવું ઘટાડવાનો છે.
બજેટ રજૂ થવાને માત્ર ત્રણ અઠવાડિયા બાકી હોય ત્યારે નાણાંપ્રધાન આવું જાહેર નિવેદન કરાય તે અસામાન્ય ગણાય છે. રીવ્ઝે આ નિવેદનમાં જણાવ્યું કે તેઓ દેવાનું ભારે સ્તર, ઓછી ઉત્પાદકતા અને આકરી મોંઘવારી જેવી આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, “આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા, સરકારને બજેટમાં કેટલાક આકરા નિર્ણયો લેવા પડશે, જેમાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું પડશે. જોબ્સ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યને સુરક્ષિત રાખવા એ દેશની પ્રાથમિકતાઓ છે, તેના માટે આકરા નિર્ણયો જરૂરી છે.”
તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “જ્યારે હું કર અને ખર્ચ અંગેના નિર્ણયો લઈશ,  ત્યારે હું એ બધું કરીશ જે જરૂરી છે — ઊંચી મોંઘવારી અને વ્યાજદરો સામે પરિવારોને બચાવવા માટે… અને આપણી જાહેર સેવાઓને ફરીથી કટોકટીમાં નહીં મુકાવા દેવા માટે.”
રેચલ રીવ્ઝે તાજેતરના નિવેદનમાં દેશની આર્થિક સ્થિતિ માટે અગાઉની કન્ઝર્વેટિવ સરકારોને જવાબદાર ઠેરવી છે. તેમના શબ્દો સૂચવે છે કે લેબર પાર્ટી પોતાની ચૂંટણી મેનિફેસ્ટોના મુખ્ય વાયદાઓ — જેવા કે આવકવેરા, વેટ અને નેશનલ ઇન્શ્યોરન્સના દરમાં કોઇ વધારો નહીં કરવાના સંકલ્પનો ત્યાગ કરે તેવી સંભાવના છે.
આગામી બજેટમાં કરવેરા વધારવામાં આવશે કે કેમ એ અંગના એક પ્રશ્નનો જવાબ આપવાનો નાણાંપ્રધાને ઇન્કાર કરતાં કહ્યું કે તેઓ આ મહિનાના અંતમાં બજેટ રજૂ કરતી વખતે નીતિઓ જાહેર કરશે.
————————-

LEAVE A REPLY