REUTERS/Pawan Kumar

ભારતના સૌથી વધુ વસતિ ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના ભાજપનો ચાર રાજ્યોમાં શાનદાર વિજય થયો હતો, જ્યારે પંજાબમાં અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળની આમ આદમી પાર્ટી (AAP)એ સપાટો બોલાવ્યો હતો. પાંચ રાજ્યોમાંથી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરમાં મોદી બ્રાન્ડનો જલવો યથાવત રહ્યો હતો અને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. પાંચ રાજયોની આ ચૂંટણીને 2024ની લોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવે છે.

ઉત્તરપ્રદેશમાં મોદી-યોગી બ્રાન્ડ ફરી સત્તા પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની કુલ 403 બેઠકોમાંથી ભાજપનો 265 બેઠક વિજય થયો હતો અથવા તેના ઉમેદવારો આગળ હતા. મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટીનો 133 બેઠકો પર વિજય થયો હતો અથવા તેના ઉમેદવારો આગળ હતા. આ ઉપરાંત માયાવતીની બહુજન સમાજ પાર્ટીને માત્ર એક બેઠક અને ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસને માત્ર 2 બેઠક મળી હતી અથવા તેના ઉમેદવારો આગળ હતા. ખેડૂતોના એક વર્ષ લાંબા આંદોલન પછી પણ ભાજપનો ઉત્તરપ્રદેશમાં વિજય ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે.

ધાર્મિક પ્રવાસન માટે જાણીતા ઉત્તરાખંડમાં પણ ભાજપનો ભગવો ફરી લહેરાયો હતો. રાજ્ય વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી ભાજપને 48 બેઠક મળી હતી અથવા તેના ઉમેદવારો આગળ હતા. મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસને 18 બેઠકો મળી હતી અથવા તેના ઉમેદવારો આગળ હતા. રાજ્યમાં અપક્ષ સહિતના અન્ય પક્ષોને 4 બેઠક પર આગળ હતા.
ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આકરી સ્પર્ધા થઈ હતી, પરંતુ ભાજપ બહુમતીની નજીક પહોંચી ગયો હતો. રાજ્ય વિધાનસભાની કુલ 40 બેઠકોમાંથી ભાજપનો 20 બેઠકો પર વિજય થયો હતો અથવા તેના ઉમેદવારો આગળ હતા, જ્યારે કોંગ્રેસ 12 બેઠકો પર વિજય તરફ હતી. ખ્રિસ્તી મતદાતાનો પ્રભાવ ધરાવતા આ રાજ્યમાં ભાજપને ફરી સત્તા મળી છે.

ઉત્તરપૂર્વ ભારતના રાજ્ય મણીપુરમાં પણ મોદીનો જાદૂ ચાલી ગયો હતો. રાજ્ય વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી ભાજપને 32 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠકો પર વિજય તરફ હતી. રાજ્યમાં પ્રાદેશિકો પક્ષોને 24 બેઠકો મળી હતી.

ભારતના રાજકારણમાં મહત્ત્વની ગણાયું તેવું રિઝલ્ટ પંજાબનું છે. અહીં કોંગ્રેસની કારમી હાર થઈ છે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દેશના બીજા રાજ્યમાં સત્તા પર આવવા માટે સજ્જ બની હતી. પંજાબ વિધાનસભાની કુલ 117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીનો 92 બેઠકો પર વિજય થયો હતો અથવા તેના ઉમેદવારો વિજયી બન્યા હતા, જ્યારે કોંગ્રેસને માત્ર 18 બેઠકો મળી હતી, અથવા તેના ઉમેદવારો આગળ હતા. અહીં ઉલ્લેખનીય છે કે દેશના ખેડૂત આંદોલનમાં પંજાબના ખેડૂતોએ મોટાપાયે ભાગ લીધો હતો.