TT News Agency/Johan Nilsson via REUTERS

હ્યુસ્ટનસ્થિત ઇન્ડિયન અમેરિકન બિન-નફાકીય સંસ્થા-સેવા ઇન્ટરનેશનલના કાર્યકરો દ્વારા યુક્રેનના સુમીમાંથી કુલ 467 આફ્રિકન વિદ્યાર્થીઓને બહાર નીકાળવામાં આવ્યા છે, જેમાં 367 વિદ્યાર્થીઓ નાઇજિરીયાના હતા.

સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં નાઇજિરીયાના એમ્બેસેડર શિના એલીગની વિનંતીના આધારે ‘સેવા’ના સ્વયંસેવકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસમાં સંકલન કર્યું હતું.

નાઇજીરીયાના વિદેશી બાબતોના પ્રધાન જ્યોફરી ઓનયેમાએ ટ્વીટર પર સેવા ઇન્ટરનેશનલ યુરોપ પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘તેમની સુવિધા અને સંકલન અદભૂત હતું.’

સંસ્થાએ જણાવ્યું હતું કે, સેવા યુરોપ યુક્રેનમાં ફસાયેલા લોકોને મદદ કરવામાં સતત પ્રયાસો કરે છે. જે 467 વિદ્યાર્થીઓ ફસાયા હતા તેમાં 100 નામિબિયા, ઝાંબિયા અને સાઉથ આફ્રિકાના હતા, જેમને મંગળવારે સુમીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આ વિદ્યાર્થીઓને સુમીથી રોમાનિયાની સરહદ સુધી લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને પોતાના દેશોની ફ્લાઇટમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સેવાના સ્વયંસેવકો- યુકેના નિલેશ સોલંકી, નોર્વેના દિવ્યાંગ પંડ્યા અને ફિનલેન્ડના હેરામ્બ કુલકર્ણીએ  વોટ્સએપ કોલ દ્વારા જણાવ્યું હતું કે, અમે એમ્બેસેડર શિના એલીગના આભારી છીએ કે, તેમણે સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓની સેવા કરવાની અમને તક આપી. જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી સેવા ઇન્ટરનેશનલના સ્વયંસેવકોએ યુરોપમાં અંદાજે 1200 લોકોને મદદ કરી છે.

યુક્રેનમાં સંસ્થાના 100થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને સરહદ પાસે 50 સ્વયંસેવકો લોકોને સરહદ પાર કરવામાં મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં સેવા ઇન્ટરનેશનલ દ્વારા જુદા જુદા 12 દેશોના ફસાયેલા લોકોને વિવિધ પ્રકારની મદદ કરી છે. આ કાર્યમાં સંસ્થાને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન અને ઇસ્કોન જેવી અનેક ધાર્મિક સંસ્થાઓ તેમ જ પોલેન્ડ-રોમાનિયા જેવા સરહદી દેશોના નાગરિકોનો સહયોગ મળ્યો છે.