ઝૈનબ અલિપોરબાબી  નામની 39 વર્ષની ઇરાની મૂળની એન્જીનીયરને હેરોના ટોરી પાર્ટીના શીખ કાઉન્સિલર કમલજીત ચનાએ “મને મુસ્લિમો પસંદ નથી” એમ કહ્યા બાદ તેણી “ધાર્મિક ભેદભાવ અને કન્સટ્રક્ટીવ અનફેર ડિસમીસલનો દાવો જીતી ગઇ હતી. લેબર પાર્ટી અને મુસ્લિમ સંગઠનોએ “ઇસ્લામોફોબીક” નિવેદન કરવાના આરોપ બદલ હેરોના શીખ ટોરી કાઉન્સિલરને હટાવવાની હાકલ કરી છે.

કમલજીત ચના, ડાયસન ઑટોમોટિવમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હતા અને ઝૈનબે 2018માં આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. ‘’આ કેસ અન્ય કંપનીઓને ચેતવણી આપશે કે બધા કર્મચારીઓ સાથે એકદમ ન્યાયપૂર્વક વર્તન થવું જોઈએ અને એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલ દ્વારા ધર્મના આધારે કોઈપણ સતામણી અને ભેદભાવ સહન કરવામાં આવશે નહીં’’ એમ વકીલ લીલા મોરને જણાવ્યું છે.

સાધારણ કુટુંબના ઝૈનબે બ્રિસ્ટલ એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલને કહ્યું હતું કે ચનાએ તેણીને જણાવ્યું હતું કે

“મુસ્લિમો હિંસક છે, મને મુસ્લિમોને પસંદ નથી. 9/11ના હુમલા વિષે વાત કરી મારો પરિવાર હવે ફ્લાઇટ્સમાં જતો નથી કારણ કે તે સૌ ડરી ગયા હતા. પાકિસ્તાની માણસો અમારી છોકરીઓને ગૃમ કરી રહ્યા છે’’

ઝૈનબે જણાવ્યું હતું કે ‘’હું અસ્વસ્થતા અને આઘાત અનુભવતી હોવાથી મેં બેઠક છોડી દીધી હતી. આ પરેશાનીએ મારા જીવન પર “ભારે અસર” કરી છે. હું સૂઈ શકતી ન હતી. એક કારે મને ટક્કર મારી હોય તેવો અનુભવ હતો.”

ઝૈનબની તરફેણમાં ચુકાદો આપતાં, ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે ચનાએ તેણીની પજવણી અને અન્યાયી ટીકા કરી હતી અને તેનાથી તેણીના પ્રોફેશનલ ગ્રોથમાં અવરોધ ઉભો થયો હતો.

ચના આ બાબતે અપીલ કરવા વિચાર કરી રહ્યા છે, તેમણે ટ્રિબ્યુનલને કહ્યું હતું કે તે અગાઉ “ઈરાનની કોઇ વ્યક્તિને પહેલાં ક્યારેય મળ્યા ન હતા. મારી ટિપ્પણીઓ સમગ્ર સમુદાય વિશે ન હતી.”

ઝૈનબના રાજીનામાને “કન્સ્ટ્રક્ટીવ અનફેર ડિસમીસલ”નો કેસ ગણાવાયો હતો અને નોંધવામાં આવ્યું હતું કે તેના લાઇન મેનેજરની વારંવારની ભલામણોને અવગણવામાં આવી છે.

હેરો કાઉન્સિલના નેતા, ગ્રેહામ હેન્સને આ વર્તણુંકને વખોડી કાઢતા કહ્યું હતું કે ‘’હું અને આખું લેબર ગ્રૂપ માને છે કે હેરોમાં ઇસ્લામોફોબિયા અથવા અન્ય કોઈપણ પ્રકારનાં ભેદભાવને સ્થાન નથી.” મિડલસેક્સના મુસ્લિમ ફોરમે “ચનાને પદ પરથી દૂર કરવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.”

કન્ઝર્વેટિવ પાર્ટીએ કહ્યું હતું કે ‘’જો ફરિયાદ કરવામાં આવશે તો તે આ કેસની તપાસ કરશે.’’