(ANI Photo)

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે સુરક્ષા દળોના એન્કાઉન્ટમાં લશ્કરે તોયબાના બે પાકિસ્તાનની ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ અથડામણમાં ત્રણ સુરક્ષા જવાનો પણ ઘાયલ થયા હતા. આ એકાઉન્ટરમાં તાજેતરમાં શ્રીનગરમાં સીઆરપીએફ પર હુમલો કરનારા ત્રાસવાદીઓનો સફાયો થયો હતો. એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.
કાશ્મીરના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઇજીપી) વિજય કુમારે જણાવ્યું હતું કે 4 એપ્રિલે સીઆરપીએફ પર હુમલો થયો તે દિવસથી પોલીસ આ પાકિસ્તાન ત્રાસવાદીઓને ટ્રેક કરતી હતી અને ત્રાસવાદી છુપાવાના સ્થળની જાણ થયા બાદ રવિવારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ત્રાસવાદીઓના મોત પોલીસ અને સીઆરપીએફના જવાનો માટે મોટી સફળતા છે. હું સ્પષ્ટ સંદેશ આપવા માગું છું કે નિર્દોષ પોલીસ જવાનો, નાગરિકો કે પત્રકારો પર હુમલો કરનારા લોકો પાકિસ્તાનની હોય તે સ્થાનિક હોય, પરંતુ તેમનો સફાયો કરવામાં આવશે.

પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમીને આધારે શ્રીનગરના બિશેમ્બર નગર એરિયાની ઘેરાબંધી કરી હતી. તેનાથી ત્રાસવાદીઓ ફાયરિંગ ચાલુ કર્યું હતું, જેનો સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો હતો. ત્રાસવાદીઓ એન્કાઉન્ટરના સ્થળે ગ્રેનેડ ફેંક્યા હતા, તેનાથી સીઆરપીએફના એક જવાન અને પોલીસના બે જવાના ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને આર્મીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.