(Photo by Scott Barbour/Getty Images)

યુકે લૉકડાઉન અંત તરફ જઇ રહ્યું છે ત્યારે મિત્રો અને કુટુંબીજનોની નાનકડી 10 લોકોને સમાવતી ગાર્ડન અને બાર્બેક્યુ પાર્ટીઓ તેમજ નાના પ્રસંગોને આવતા મહિને લીલીઝંડી આપવામાં આવશે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જાહેરાત કરી છે કે બધી દુકાનો આગામી અઠવાડિયાઓમાં ફરી ખુલી જશે. બહાર ખુલ્લામાં ભરાતા બજારો અને કાર શોરૂમ હવે 1 જૂનથી ફરી ખુલશે. તો ઇન્ડીપેન્ડન્ટ સ્ટોર્સ, ન્ય દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ 15 જૂનથી ફરીથી ખોલી શકાશે. પરંતુ સરકારે ચેતવણી આપી છે કે દુકાનોમાં સામાજિક અંતરના માર્ગદર્શનનું પાલન કરવું પડશે.

ગઈ કાલે સોમવારે તા. 25ના રોજ કેબિનેટની બેઠકમાં બોરિસ જ્હોન્સને રજૂ કરેલી આ દરખાસ્તો લોકડાઉન દરમિયાન લોકોને વધુ સામાજિક સંપર્ક આપવાના એક માર્ગ તરીકે રજૂ કરવાની વિશાળ યોજનાનો ભાગ હોઈ શકે છે.

ફરીથી ખોલવાની ઇચ્છા ધરાવનારી તમામ દુકાનોએ નવા માર્ગદર્શક નિયનોનું પાલન કરવું પડશે, જેને આજે મંગળવારે જારી કરવામાં આવશે. જ્હોન્સને ચેતવણી આપી હતી કે જરૂરી હશે તો સરકાર પાસે નવા નિયમો લાગુ કરવાની સત્તા હશે.

બ્રિટીશ ચેમ્બર્સ ઑફ કોમર્સના ડિરેક્ટર જનરલ, એડમ માર્શલે જણાવ્યું હતું કે ‘બિઝનેસીસે તેમના સ્ટાફ સાથે ગાઢ પરામર્શ કરીને કામ પર પાછા ફરવા માટે સલામત, પ્રમાણસર અને જોખમ આધારિત અભિગમ અપનાવશે. ઘણા લોકો માટે કામ કરવાની એક નવી રીત હશે.

જ્હોન્સને જણાવ્યું હતું કે ‘’વોશ યોર હેન્ડ્ઝ, કીપ યોર ડીસ્ટન્સ’’ સૂત્રને પાછું લાવીને ગ્રાહકોને પોતાની જાતને સુરક્ષિત રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ‘’આપણે ફક્ત ત્યારે જ સફળ થઈ શકીશું જો આપણે બધી મૂળભૂત બાબતોને યાદ રાખીશું. જેમ કે તમારા હાથ ધુઓ, સામાજિક અંતર રાખો અને જો તમને લક્ષણો હોય તો અલગ થાવ અને ટેસ્ટ કરાવો.’

કોરોનાવાયરસ લોકડાઉન શરૂ થયું ત્યારથી બંધ રહેતી હાઇ સ્ટ્રીટ પરની દુકાનો અને રિટેલરો તેમનો સ્ટોક ક્લીયર કરવા માટે ‘સદીના મોટા સેલ’ સમાન કિંમતોમાં મોટો ઘટાડો કરી માલ વેચવાની અપેક્ષા રાખી હતી.

સાયન્ટીફીક એડવાઇઝરી ગૃપ ફોર ઇમરજન્સીઝ (એસ.એ.જી.)એ ટોચના મંત્રીઓને સલાહ આપી હોવાનું સમજાયું છે કે કોવિડ-19નો ચેપ બહાર ખુલ્લામાં લાગવાની શક્યતા ખૂબ ઓછી છે.

નોર્થ યોર્કશાયરના બોલ્ટન એબીમાં પાર્ક્સ અને દરિયાકિનારા પર તેમજ બ્રાઇટનના પ્રખ્યાત બીચ પર  ગઈકાલે બેંક હોલિડે વીકએન્ડ પર સનસીકર્સ ઉમટ્યા હતા.

કઇ દુકાનો ખુલશે અને કઈ બંધ રહેશે?

હાલમાં સુપરમાર્કેટ્સ, ફાર્મસીઓ, ગાર્ડન સેન્ટર્સ અને ટેકઅવે તેમજ ડિલીવરી ફૂડ આઉટલેટ્સ ખુલ્લા છે.

આગામી તા. 1 જૂનથી આઉટડોર બજારો અને કાર શોરૂમ ખોલવા પરવાનગી અપાઇ છે.

તા. 15 જૂનથી ઇન્ડોર માર્કેટ્સ, કપડાં અને બુટની દુકાનો, ટોય, બુક, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ, ફોટોગ્રાફી સ્ટુડિયો, ટેયલર, ઓક્શન હાઉસીસ ખોલવાની પરવાનગી અપાશે.

હજુ પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે તેના સ્થાનોમાં રેસ્ટૉરન્ટ્સ, બાર અને પબ્સ, કાફે અને કેન્ટીન, હોલીડે હોમ્સ, હોટલ,બહોસ્ટેલ્સ, બેડ અને બ્રેકફાસ્ટ્સ, હોલીડે રેન્ટલ્સ, કેમ્પસાઇટ્સ અને બોર્ડિંગ હોમ્સ, હેરડ્રેસર, બાર્બર્સ, બ્યુટી અને નેઇલ સલુન્સ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, આઉટડોર જિમ અને આઉટડોર સ્વિમિંગ પુલ, પીયર્સીંગ અને ટેટૂ પાર્લર, કોમર્શીયલ કેરેવાન પાર્ક, પુસ્તકાલયો, કોમ્યુનિટી સેન્ટર્સ, ધાર્મિક સ્થાનો, મ્યુઝીયમ્સ અને ગેલેરીઓ, નાઇટક્લબો, સિનેમા, થિયેટરો અને કોન્સર્ટ હોલ, બિન્ગો હોલ, કેસિનો અને બેટીંગ શોપ્સ, સ્પા અને મસાજ પાર્લર, સ્કેટિંગ રિંક્સ, ઇન્ડોર ફિટનેસ સ્ટુડિયો, જીમ, સ્વિમિંગ પુલ અથવા અન્ય ઇન્ડોર લેઝર સેંટર, ઇન્ડોર આર્કેડ્સ, બોલિંગ એલી, સોફ્ટ પ્લે સેન્ટર્સ અને સમાન સુવિધાઓ તેમજ ફનફેરનો સમાવેશ થાય છે.