વિશ્વ આરોગ્ય સંસ્થાએ સોમવારે કોરોના વાઈરસથી સંક્રમતિ દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાઈ રહેલી હાઈડ્રોક્સિક્લોરોક્વિન પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાના દર્દીઓની સારવાર માટે આ દવાનુ સમર્થન કર્યુ હતુ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ મેલેરિયારોધી આ દવાને પોતે પણ પી રહ્યા છે.

આ સંબંધમાં WHOના ડાયરેક્ટર ટેડ્રોસ એડહોમ ઘેબ્રેયસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે હાઈડ્રોક્સિક્લોરોક્વિન પર અસ્થાયી રોક લગાવાઈ છે. ડેટા સુરક્ષા મોનિટરીંગ બોર્ડ તરફથી આ સંબંધિત અત્યાર સુધી પ્રાપ્ત થયેલા આંકડાનું વિશ્લેષણ અને સમીક્ષા કરવામાં આવી રહી છે.

ટેડ્રોસે કહ્યુ કે છેલ્લા અઠવાડિયે લેન્સેટમાં પ્રકાશિત એક સંશોધનથી એ વાત સામે આવી છે કે જે લોકો હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવા લઈ રહ્યા હતા, તેમાં હૃદય સંબંધી બીમારીનું જોખમ અને અહીં સુધી કે મૃત્યુ થવાની આશંકા વધી ગઈ હતી. એ કારણ છે કે વૈશ્વિક સ્તરે આ દવાના ઉપયોગ પર હાલ અસ્થાયી રોક લગાવાઈ છે.

તેમણે એ પણ કહ્યુ કે આ અસ્થાયી રોક માત્ર કોરોનાના દર્દીઓને લઈને છે, અન્ય બીમારીના મામલે આ દવાના ઉપયોગ સંબંધિત નિયમ પર આ રોકની કોઈ અસર પડશે નહીં. આ સાથે જ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસની સારવાર સાથે જોડાયેલા પરીક્ષણ યથાવત રહેશે. હાઈડ્રોક્સિક્લોરોક્વિનને અમેરિકામાં વર્ષ 1950ના મધ્યમાં લાયસન્સ આપવામાં આવ્યુ હતુ.