લોર્ડ્સ ખાતે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો રૂટ ૧૦૪, બ્રાયડન કાર્સે ૫૬, જેમી સ્મિથ ૫૧ રન બનાવ્યાં હતાં. ભારત તરફથી જસપ્રીત બુમરાહ 74 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. નીતિશ કુમાર રેડ્ડી અને મોહમ્મદ સિરાજને બે બે વિકેટ મળી હતી.
બુમરાહની વેધક બોલિંગ સામે ઇંગ્લેન્ડના એક સમયે 271 રનમાં સાત વિકેટ પડી ગઈ હતી, પરંતુ લોઅર ઓર્ડર બેટરોએ લડાયક રમત રમીને સન્માનજનક સ્કોર ખડો કરવામાં મદદ કરી હતી. સાતમાં ક્રમ પર બેટિંગ કરવા આવેલા ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટર સ્મિથે 51 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેને કાર્સે સાથે આઠમી વિકેટ માટે 84 રનની મૂલ્યવાન ભાગીદારી નોંધાવી હતી. તેમની ભાગીદારીથી ઇંગ્લેન્ડને લંચ સુધી મજબૂત સ્થિતિમાં પહોંચવામાં મદદ કરી હતી.
પ્રથમ દિવસની રમતને અંતે ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવી 251 રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેન ડકેટ (23 રન) અને જેક ક્રોલી (18 રન)એ સાથે મળીને પહેલી વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી. નીતિશ કુમાર રેડ્ડીએ આ બંને ઓપનરોને એક જ ઓવરમાં આઉટ કરીને પેવેલિયન ભેગા કર્યા હતા. અહીંથી જો રૂટ અને ઓલી પોપે સદીની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડની કમાન સંભાળી હતી. રૂટે ભારત સામે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને 102 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રૂટ ભારત સામે ટેસ્ટમાં 3000 રન પૂર્ણ કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ હતી, જેમાં યજમાન ટીમે 5 વિકેટથી જીત મેળવી હતી. બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી હતી એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડને 336 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી હતી. હવે આ લોર્ડ્સ ટેસ્ટ બંને ટીમો માટે આ સિરિઝ માટે નિર્ણાયક પુરવાર થશે.
બીજા સત્ર દરમિયાન પંતને આંગળીમાં ઈજા થતાં મેદાન છોડવું પડ્યું હતું.પંતની જગ્યાએ વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલને ટીમમાં સામેલ કરાયો હતો.
ભારતીય ટીમમાં જોશ ટંગના સ્થાને આર્ચરનો સમાવેશ થયો છે, જ્યારે બુમરાહ પી કૃષ્ણના સ્થાને આવ્યો હતો. લાંબા સમયથી ઈજાના કારણે બહાર રહેલા આર્ચરને આખરે ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા મળી ગઈ હતી.
