
ઇંગ્લેન્ડની સ્થાનિક ચૂંટણીઓમાં નાઇજેલ ફરાજના રિફોર્મ યુકે પક્ષને મોટો ફાયદો થયો છે. 2021માં થયેલી ચૂંટણીઓમાં મુખ્યત્વે ટોરી દ્વારા જીતવામાં આવેલ કાઉન્સિલોના ક્લચમાં આવેલી લગભગ 1,600 બેઠકોમાંથી 677 બેઠકો રિફોર્મ યુકે દ્વારા જીતી લેવાઇ હતી. રિફોર્મે કન્ઝર્વેટિવ્સ પાસેથી કેન્ટ અને સ્ટેફોર્ડશાયર સહિત આઠ કાઉન્સિલ્સ કબજે કરી હતી.
સૌથી વધુ કન્ઝર્વેટિવ પક્ષને મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો હતો અને 676થી વધુ બેઠકો અને તમામ 16 ઓથોરિટીઝ પરનું નિયંત્રણ ગુમાવ્યું છે. જો કે તેણે લેબર પાસેથી કેમ્બ્રિજશાયર અને પીટરબરોનું મેયરપદ કબજે કર્યું હતું. જે એક આશાસ્પદ કિરણ છે.
બીબીસીનો અંદાજ છે કે, જો ગુરુવારે સમગ્ર બ્રિટનમાં ચૂંટણીઓ થઈ હોત, તો કન્ઝર્વેટિવ્સને રાષ્ટ્રીય મતના માત્ર 15% મળ્યા હોત જે લિબરલ ડેમોક્રેટ્સના 17% કરતા ઓછા હોત. જ્યારે લેબર પાર્ટી 20% મત જીતી શકી હોત.
રિફોર્મે ડોનકાસ્ટર અને ડરહામ કાઉન્સિલ પર પણ કબ્જો જમાવ્યો હતો. તો રિફોર્મે રનકોર્ન અને હેલ્સબીમાં લેબરને હાંકી કાઢ્યું હતું અને ત્યાંથી રીફોર્મના સારાહ પોચિનને એમપીની પેટાચૂંટણી જીતી હતી અને રિફોર્મના પાંચમા સાંસદ બન્યા હતા. પ્રથમ કાઉન્સિલ પર નિયંત્રણ મેળવવાની સાથે, રિફોર્મે ગ્રેટર લિંકનશાયર, હલ અને ઇસ્ટ યોર્કશાયરના નવા રચાયેલ કમ્બાઇન્ડ ઓથોરીટીઝમાં તેની પ્રથમ મેયરની ચૂંટણીઓ પણ જીતી છે.
ફરાજે જણાવ્યું હતું કે આ પરિણામોનો અર્થ એ છે કે રિફોર્મે સર કેર સ્ટાર્મરની લેબર સરકારના મુખ્ય વિરોધ પક્ષ તરીકે ટોરીઝને પાછળ છોડી દીધી છે.
ઇંગ્લેન્ડના મુખ્યત્વે ગ્રામીણ અને ઉપનગરીય વિસ્તારોમાં 23 કાઉન્સિલોમાં યોજાયેલી ચૂંટણીઓ, ગયા વર્ષે લેબર પાર્ટીના જંગી વિજય પછીની આ પ્રથમ મોટી ચૂંટણી કસોટી હતી.
લેબર પક્ષે કુલ 186 બેઠકો ગુમાવી હતી. પણ ડોનકાસ્ટર, નોર્થ ટેનીસાઇડ અને વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડમાં મેયરપદ મેળવ્યું હતું. લિબ ડેમે 163 બેઠકો મેળવી હતી અને ટોરીઝ પાસેથી શ્રોપશાયર અને ઓક્સફોર્ડશાયર અને કેમ્બ્રિજશાયર કાઉન્ટી કાઉન્સિલો પર નિયંત્રણ મેળવ્યું હતું. જ્યારે હર્ટફર્ડશાયર અને વિલ્ટશાયર તેમજ ગ્લોસ્ટરશાયર અને ડેવોનમાં પણ સૌથી મોટી પાર્ટી બની હતી. ગ્રીન્સે 40થી વધુ બેઠકો મેળવી હતી
પ્રથમ વખત કન્ઝર્વેટિવ્સ અને લેબર પાર્ટી માટે સંયુક્ત મતનો અંદાજિત હિસ્સો 50% થી નીચે આવી ગયો છે, જે બ્રિટિશ રાજકીય લેન્ડસ્કેપના સતત વિભાજનને રેખાંકિત કરે છે.
ઇંગ્લેન્ડ સ્થાનિક ચૂંટણી પરિણામો 2025
ગુરુવાર તા. 1 મેના રોજ સમગ્ર ઇંગ્લેન્ડમાં 23 કાઉન્સિલમાં 1,600 થી વધુ બેઠકો પર ચૂંટણી લડવામાં આવી છે. છ મેયરની ચૂંટણીઓ અને સંસદીય પેટાચૂંટણી પણ થઈ હતી. જેના પરિણામ આ મુજબ છે.
પક્ષ | કાઉન્સિલ | બદલાવ | કાઉન્સિલર્સ | બદલાવ |
રિફોર્મ યુકે | ૧૦ | +૧૦ | ૬૭૭ | +૬૭૭ |
લિબરલ ડેમોક્રેટ | ૩ | +૩ | ૩૭૦ | +૧૬૩ |
કોન્ઝર્વેટીવ | ૩ | -૧૬ | ૩૧૭ | -૬૭૬ |
લેબર | ૦ | 98 | -૧ | -187 |
ઇન્ડીપેન્ડન્ટ | o | 0 | 88 | -11 |
ગ્રીન | ૦ | ૦ | ૮૦ | +૪૫ |
મેયરપદના પરિણામો
કાઉન્સિલ | વિજેતા મેયર | પૂર્વ મેયર |
કેમ્બ્રિજશાયર અને પીટરબરો | કન્ઝર્વેટિવ, પોલ બ્રિસ્ટો | લેબર, નિક જૉન્સન |
ડોન્કાસ્ટર | લેબર, રોસ જોન્સ | લેબર, રોસ જોન્સ |
ગ્રેટર લિંકનશાયર | રિફોર્મ યુકે, એન્ડ્રીયા જેનકિન્સ | – |
હલ અને ઇસ્ટ યોર્કશાયર | રિફોર્મ યુકે, લ્યુક કેમ્પબેલ | – |
નોર્થ ટેનીસાઇડ | લેબર, કેરેન ક્લાર્ક | લેબર, નોર્મા રેડફર્ન |
વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડ | લેબર, હેલેન ગોડવિન | લેબર, ડેન નોરિસ |
