
ભારતે પાકિસ્તાનમાં આતંકી અડ્ડોઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર ચાલુ કર્યા પછી પાકિસ્તાનને બુધવારની રાત્રે અને ગુરુવારની સવારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના 15 શહેરોમાં લશ્કરી મથકોને ટાર્ગેટ કરી મિસાઇલ અને ડ્રોન હુમલાં કર્યા હતાં. જોકે તે તમામને હવામાં તોડી પાડવામાં આવ્યાં હતાં. પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને ગુજરાતમાં લશ્કરી થાણા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતે તેના શહેરો પર નિશાન સાધતી મિસાઇલોને તોડી પાડવા માટે રશિયન બનાવટની S-400 સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કર્યો હતો.
ભારત સરકારે જણાવ્યું હતું કે શ્રીનગર, પઠાણકોટ, અમૃતસર, લુધિયાણા, ચંદીગઢ અને અન્ય સ્થળોએ લશ્કરી સુવિધાઓ પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસોના જવાબમાં ભારતીય દળોએ લાહોર સહિત અનેક સ્થળોએ પાકિસ્તાની એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવીને અને તેનો નાશ કર્યો હતો. ભારતીય દળોનો જવાબ “પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ જેવા જ ક્ષેત્રમાં (અને) સમાન તીવ્રતા સાથે હતો.પાકિસ્તાને ગુરુવારે તેના હવાઈ ક્ષેત્રમાં ભારતના 25 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો.
પાકિસ્તાની દળોએ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ્સે તોડી પડ્યાં હતાં. સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ્સને નષ્ટ કરવા માટે HARPY ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં ચાર અને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં પાંચ આતંકવાદી છાવણીઓ પર સચોટ હુમલાઓ કર્યાના એક દિવસ પછી પાકિસ્તાને ભારત સામે લશ્કરી કાર્યવાહીનો પ્રયાસ કર્યો હતો. ભારતે બુધવારે સવારે 1.05 કલાકે ઓપરેશન સિંદૂર ચાલુ કર્યો હતો તથા હેમર સ્માર્ટ બોમ્બથી લઈને SCALP મિસાઇલો દ્વારા આતંકવાદી જૂથોના મુખ્ય મથકો અને તાલીમ શિબિરોનો નાશ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે બપોરે જણાવ્યું હતું કે આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
અગાઉ પાકિસ્તાને ભારતના પાંચ યુદ્ધવિમાનો તોડી પાડ્યાનો દાવો કર્યો હતો, જોકે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યાના અહેવાલોને “ખોટી માહિતી” ગણાવી હતી.
પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ ગુરુવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાને કરાચી અને લાહોર સહિત અનેક સ્થળોએ ભારતમાંથી ઇઝરાયલી બનાવટના 25 ડ્રોન તોડી પાડ્યા હતા અને તેમનો કાટમાળ એકત્રિત કરવામાં આવી રહ્યો છે. રાવલપિંડીશહેર ઉપર એક ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યું હતું, જ્યાં પાકિસ્તાની સેનાનું ભારે કિલ્લેબંધીવાળું મુખ્યાલય આવેલું છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે, એક ડ્રોને લાહોર નજીક એક લશ્કરી ટાર્ગેટને નિશાન બનાવ્યું હતું અને આ હુમલામાં પાકિસ્તાની સેનાના ચાર જવાનો ઘાયલ થયા હતાં.
ભારતે એક નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાને કાશ્મીરમાં સીમા પર ગોળીબારમાં વધારો કર્યો હતો. તેમાં ભારતીય બાજુએ પાંચ બાળકો અને ત્રણ મહિલાઓ સહિત 16 લોકો માર્યા ગયા હતાં અને 59 લોકો ઘાયલ થયા હતાં.
પાકિસ્તાન જણાવ્યું હતું કે કે બુધવારે થયેલા હુમલાઓ અને ત્યારબાદ કાશ્મીરમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં તેના ઓછામાં ઓછા 31 નાગરિકો માર્યા ગયા અને લગભગ 50 ઘાયલ થયા હતાં.
