(ANI Photo)

પૈસા લઇને સંસદમાં સવાલ પૂછવાના મામલામાં ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ લોકસભાની એથિક્સ કમિટીના વડા વિનોદ સોનકર પર પર નવેસરથી હુમલા કરતાં જણાવ્યું હતું કે તેઓ 2 નવેમ્બરે સંસદની સમિતિ સમક્ષ હાજર થયા ત્યારે સોનકરે તેમને ‘બેહુદા, બેશરમ’ સવાલો પૂછ્યાં હતાં. મહુઆ મોઇત્રા સામે અદાણી ગ્રૂપને ટાર્ગેટ કરીને સંસદમાં સવાલો પૂછવાના આરોપ છે. મોઇત્રા સામે પગલાં લેવાની ભલામણ કરવા એથિક્સ સમિતિની હવે સાત નવેમ્બરે બેઠક યોજાવાની છે.

બનાવટી આક્ષેપો કરીને મહિલા સાંસદોને બહાર ધકેલવાનો પ્રયાસ કરવાનો ભાજપ પર આક્ષેપ કરીને તેમણે ચેતવણી આપી હતી કે તેમની પાસે સમિતિની કાર્યવાહીની સંપૂર્ણ ટ્રાન્સક્રિપ્ટ છે.  ભાજપ તેમના પર ફોજદારી કેસ ચલાવવાની યોજના બનાવી રહ્યું છે.

મોઇત્રાએ એક્સ (ટ્વીટર) પર લખ્યું હતું કે ભાજપ, તમે મહિલા સાંસદોને ખોટા આક્ષેપો સાથે બહાર કાઢો તે પહેલાં યાદ રાખો કે મારી પાસે એથિક્સ કમિટિની સુનાવણીની શબ્દશઃ રેકોર્ડની ચોક્કસ નકલ છે. અધ્યક્ષના હલકી કક્ષાના અપ્રસ્તુત પ્રશ્નો, વિપક્ષના સભ્યોનો વિરોધ, મારો વિરોધ – બધું સત્તાવાર બ્લેક એન્ડ વ્હાઇટમાં છે. બેશરમ અને બેહુદા. તેમણે જણાવ્યું હતું કે મારા પાસે કેટલા જોડી જૂતા છે તેનો સવાલ કરતાં પહેલા CBI અને EDએ અદાણી સામે ₹13,0000 કરોડના કોલસા કૌભાંડ માટે FIR દાખલ કરવાની જરૂર છે.

દરમિયાન મોઇત્રા સામે લોકસભાના સ્પીકરને ફરિયાદ કરનારા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ટોણો માર્યો હતો કે હું મહુઆ મોઇત્રાનો સાચે જ ચાહક બની ગયો છું. તેમણે અદાણીની જગ્યાએ હિરાનંદાની ઓફર સ્વીકારી?

એક એફિડેવિટમાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ દાવો કર્યો હતો કે મોઇત્રાએ તેના લોગ-ઇન પાસવર્ડનો ઉપયોગ કરીને લોકસભાની સત્તાવાર વેબસાઇટ પર પ્રશ્નો પોસ્ટ કરવાની મંજૂરી આપી હતી અને તેના બદલામાં મોંઘી ભેટ સ્વીકારી હતી.

આ મામલોમાં મોઇત્રા લોકસભાની એથિક્સ સમિતિ સમક્ષ હાજર થયા હતા અને બેઠક અધવચ્ચેથી છોડીને બહાર નીકળી ગયા હતા. તે સમયે પણ પણ તેમણે વિનોદ સોનકર પર અભદ્વ અંગત સવાલો કરવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ સોનકરે દાવો કર્યો હતો હતો કે મોઇત્રાએ તેમની સામે બિનસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો અને સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. મોઇત્રાએ તે સમયે પોતાનું શાબ્દિક વસ્ત્રાહરણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને લોકસભાના સ્પીકરને એક પત્ર લખ્યો હતો.

LEAVE A REPLY

eight + two =