Record heatwave threatens to make human life unbearable in India

વિશ્વના ઉત્તર ગોળાર્ધ (નોર્ધન હેમિસ્ફિયર)માં ઉનાળો શરૂ થવાની સાથે જ યુરોપ, ચીન અને અમેરિકાના અનેક વિસ્તારોમાં આકરી ગરમીના અનુભવ સાથે રેકોર્ડ તૂટી રહ્યા છે. અમેરિકાની નેશનલ વેધર સર્વિસે એરિઝોના, કેલિફોર્નિયા, નેવાડા અને ટેક્સાસમાં વસતા 100 મિલિયનથી વધુ અમેરિકનો માટે ભારે ગરમીની ચેતવણી આપી છે. આ જ સમયે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને પોલેન્ડ સહિતના ઘણા યુરોપિયન દેશો આકરી ગરમીમાં તપી રહ્યા છે. સિસિલી અને સાર્ડિનિયા ટાપુઓ પર પારો 48 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો જવાની આગાહી કરાઇ હતી. યુરોપિયન સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે, “યુરોપમાં અત્યાર સુધીનું સૌથી ઉંચું તાપમાન નોંધાઈ ચૂક્યું છે.”

ત્રણ હીટવેવ્સ યુરોપ, અમેરિકા અને એશિયામાં એક સાથે ત્રાટક્યા છે. ગ્રીસમાં જંગલી આગની સાથે, યુએસ અને ચીનમાં ટોચનું તાપમાન 52.2 સેલ્સીયસ નોંધાયું છે. દાવાનળ યુએસ અને સાઉથ યુરોપના મોટા ભાગના વિસ્તારને લપેટમાં લેતા લોકોના ઘરો અને જીવન જોખમમાં મૂકાયા છે. સોમવારે આગની જ્વાળાઓથી ધેરાયેલા હોલિડે કેમ્પમાંથી ગ્રીક સત્તાવાળાઓએ 1,200 બાળકોને બચાવ્યા હતા.

નોર્થ આફ્રિકામાં પણ તીવ્ર ગરમીનો પ્રકોપ અનુભવાયો હતો અને મોરોક્કોના હવામાન વિભાગે દેશના દક્ષિણ ભાગોમાં આકરી ગરમીની ચેતવણી આપી હતી.

અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના જણાવ્યા મુજબ, ગત જુન મહિનામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

વર્લ્ડ મીટીઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)ના જણાવ્યા પ્રમાણે અતિશય ગરમી સૌથી જીવલેણ હવામાન સંબંધિત ઘટનાઓ પૈકીની એક છે. યુરોપમાં ગયા ઉનાળામાં ગરમીથી સંબંધિત 61,672 મૃત્યુ થયા હતા અને ઇટાલી, ગ્રીસ, સ્પેન અને પોર્ટુગલમાં મૃત્યુદર સૌથી વધુ હતો. ગયા અઠવાડિયે મિલાનમાં એક રોડ વર્કરનું ગરમીથી સંબંધિત બીમારીથી મૃત્યુ થયું હતું.

યુરોપમાં હીટવેવથી અસરગ્રસ્ત સ્પેન, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની અને ઇટાલી સહિત મોટા ભાગના દેશોમાં ભયાનક ગરમીના રેકોર્ડ તૂટી રહ્યા છે. ગયા સપ્તાહે સ્પેનમાં જમીનનું તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ જણાયું હોવાનું સેટેલાઇટ રેકોર્ડિંગ દર્શાવે છે અને બુધવારે ફરીથી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયાનું ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’ના અહેવાલમાં જણાવાયું હતું. ઇટાલિયન ટાપુ સાર્ડીનિયામાં આજે તાપમાન 48 સેલ્સીયસ સુધી પહોંચી શકે છે. ઓગસ્ટ 2021માં ફ્લોરિડિયાના સિસિલિયન નગરમાં 48.8 સેલ્સીયસનું વિક્રમરૂપ તાપમાન નોંધાયું હતું. તો ટર્કીના એંટાલ્યામાં તાપમાન 46 સેલ્સીયસ અને દક્ષિણ સ્પેનના ઝરાગોઝામાં 44 સેલ્સીયસ સુધી પહોંચવાની આગાહી કરાઇ છે.

ઇટાલીમાં અઠવાડિયાના અંતમાં તાપમાન 48.8 સેલ્સીયસના નોંધાવા સાથે યુરોપીયન રેકોર્ડની નજીક પહોંચશે તેવી આગાહી કરાઇ છે. ઇટાલીના આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે રોમ, ફ્લોરેન્સ, બોલોગ્ના, બારી, કેટાનિયા, કેગ્લિઆરી, પાલેર્મો અને તુરીન સહિત 23 ઇટાલિયન શહેરો બુધવાર સુધીમાં ભયાનક ગરમીના કારણે “રેડ એલર્ટ” પર રહેશે. જ્યાં તાપમાન રેકોર્ડ-બ્રેકિંગ 43 સેલ્સીયસ સુધી વધવાની અપેક્ષા છે. રાજધાનીનું વિક્રમી તાપમાન 40.5 ડિગ્રી ઓગસ્ટ 2007માં સેટ થયું હતું.

ગરમી એટલી તીવ્ર છે કે તે બાળકો અને વૃદ્ધ લોકો જ નહીં, સમગ્ર વસ્તીના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. ઇટાલિયનોને ચેતવણી અપાઇ છે કે તેઓ “અત્યાર સુધીની સૌથી તીવ્ર ઉનાળાના હીટવેવ માટે તૈયાર રહે.”

પ્રવાસીઓથી ભરપૂર રહેતા રોમમાં તાપમાન મંગળવારે 42-43 સેલ્સીયસ પર પહોંચવા માટે તૈયાર છે. ઇટાલીની રાષ્ટ્રીય હવામાનશાસ્ત્ર અને આબોહવા વિજ્ઞાન એજન્સીના વડા કાર્લો કેસિઆમાનીએ કહ્યું હતું કે “અમે 40 સેલ્સીયસ ઉપરની ગરમીની અપેક્ષા રાખીએ છીએ. કમનસીબે આ પ્રકારની પરિસ્થિતિ ભૂતકાળની સરખામણીમાં વધુ વખત આવી રહી છે.”

રોમની સિવિલ પ્રોટેક્શન ઓથોરિટીના વડા જ્યુસેપ નેપોલિટાનોએ કહ્યું હતું કે ‘’ગરમીથી ત્રસ્ત લોકોને મદદ કરવા માટે કોલોસીયમ જેવા મુખ્ય સ્મારકો સહિત 28 સ્થળે “હીટ હેલ્પ પોઈન્ટ્સ” સ્થાપિત કરાઇ રહ્યા છે.”

પ્રવાસીઓને ઇટાલિયન દરિયાકિનારા પરથી એરલિફ્ટ કરાયા હતા તો એથેન્સના એક્રોપોલિસથી કેટલાય લોકોને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા.

સ્પેનની એમેટ વેધર એજન્સીએ જણાવ્યું હતું કે આ અઠવાડિયે હીટવેવ “ભૂમધ્ય સમુદ્રની સરહદે આવેલા દેશોના મોટા ભાગને અસર કરશે તથા સાઉથ સ્પેનના કેટલાક

વિસ્તારોમાં તાપમાન 42 સેલ્સીયસ (107F) થી પણ વધી જશે. એક એન્ટિસાઇક્લોન આફ્રિકાથી ગરમ હવાના સમૂહને સ્પેન અને અન્ય ભૂમધ્ય દેશો તરફ ધકેલી રહ્યું છે. ગરમી અને સૂકી હવાના કારણે જંગલોમાં આગ લાગવાનું જોખમ વધી જશે.’’

આગામી દિવસોમાં ગ્રીસ અને સાયપ્રસમાં તાપમાન 42 સેલ્સીયસ સુધી પહોંચવાની અને આ અઠવાડિયે તાપમાનમાં વધારો થવાની ધારણા છે.

યુરોપિયન યુનિયનના અવકાશ કાર્યક્રમના પૃથ્વી અવલોકન ઘટક કોપરનિકસના જણાવ્યા અનુસાર, આત્યંતિક ગરમી લગભગ બે અઠવાડિયા સુધી ભૂમધ્ય સમુદ્રમાં રહેવાની આગાહી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર યુરોપ હવે પહેલા કરતાં વધારે ગરમી અનુભવી રહ્યુ છે. ગરમીના લીધે જંગલોમાં દવ લાગે છે અને આ દવ પાછો ગરમીમાં વધારો કરે છે. આમ યુરોપમાં ગરમીનું એક વિષચક્ર ચાલુ થઈ ગયું છે. આના લીધે યુરોપમાં ગરમીથી મરનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. હીટવેવ ટાળવા માટે યુરોપ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા પ્રયત્નશીલ છે, પણ આ પ્રયત્નો જાણે આભમાં થીગડું લગાવવા સમાન છે.

કેલિફોર્નિયાની ડેથ વેલીમાં તાપમાન રવિવાર તા. 16ના રોજ 53.3 ડિગ્રી સેલ્સિયસ પર એટલે કે વિશ્વ વિક્રમની નજીક પહોંચ્યું હતું.

ચીનમાં પાટનગર બૈજિંગ સહિત કેટલાક પ્રદેશોમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો અને ચીનમાં તો ગત સોમવારે એક દિવસનું વીજ ઉત્પાદન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું હતું. ચીને પણ રવિવારે ચેતવણીઓ જારી કરી હતી, જેમાં દક્ષિણ ગુઆંગસી ક્ષેત્રમાં 39 સેલ્સીયસ અને શિનજિયાંગના આંશિક રણ પ્રદેશમાં 40-45 સેલ્સીયસની ચેતવણી આપવામાં આવી હતી. દૂરના સાંબાઓ ટાઉનશીપમાં 52.2 સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.

નોર્થ-વેસ્ટ ચીનના સાનબાઓ ગામમાં રવિવારે દેશનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે રાત્રે આવેલા ટાયફૂન સહિતની આપત્તિજનક હવામાનના કારણે લગભગ 230,000 લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જાપાનમાં તાપમાન 39.1 સેલ્સીયસ પર પહોંચ્યા બાદ 60 લોકોને હીટસ્ટ્રોક માટે સારવાર અપાઇ હતી.

LEAVE A REPLY

2 × 5 =