ફેસબૂક અને ભારતીય કંપની રિલાયન્સે હાથ મિલાવ્યા છે. ફેસબૂકે રૂપિયા ૪૩,૫૭૪ કરોડ (૫.૭ બિલિયન ડૉલર)ના ખર્ચે જિયોના ૯.૯૯ ટકા શેર ખરીદવાનું નક્કી કર્યું છે. આ અંગે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ વિડીયો મેસેજ દ્વારા જાણકારી આપી હતી. આ નિર્ણય પછી રિલાયન્સના શેરના ભાવમાં પણ ૮ ટકા જેવો ઊછાળો જોવા મળ્યો હતો. આ રોકાણ પછી રિલાયન્સ જિયોનું કદ વધીને ૪.૬૨ લાખ કરોડ થશે. રિલાયન્સને ફાયદો એ થશે કે જિઓના દેવામાં ઘટાડો થશે, જ્યારે ફેસબૂકને ભારતમાં પ્રવેશ મળશે.

ટેકનોલોજી સેક્ટરમાં અત્યાર સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) છે. આ ડિલ હેઠળ ફેસબૂકને જિયોના શેર આપવામાં આવશે અને બોર્ડ ઑફ ડિરેક્ટરમાં પણ ફેસબૂકના પ્રતિનિધિને સ્થાન મળશે. ફેસબૂકના સૌથી મોટા વૈશ્વિક માર્કેટમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતમાં ફેસબૂકના ૩૩ કરોડ સક્રિય વપરાશકારો છે, જ્યારે ફેસબૂકની માલિકીનું વૉટ્સઅપ ૪૦ કરોડથી વધારે લોકો વાપરે છે. બીજી તરફ જિઓના ભારતમાં ૩૯ કરોડ વપરાશકારો છે.

દુુનિયાભરની ટેકનોલોજી કંપનીઓ માટે આગામી વર્ષોમાં ભારત સૌથી મોટું માર્કેટ છે. ફેસબૂક ઘણા સમયથી ભારતમાં વિવિધ રસ્તે પ્રવેશવા પ્રયાસ કરે છે. તેમાં ફેસબૂકનો આ નિર્ણય આગામી સમયમાં મહત્ત્વનો સાબિત થશે. બન્ને કંપનીઓએ જણાવ્યુ હતુ કે ભેગા મળીને નવી નવી ટેકનોલોજીકલ પ્રોડક્ટ ડિઝાઈન કરશે અને યુઝર્સને વધુ સુવિધા મળે એ માટે પ્રયાસ કરશે. આ ડિલ માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે થોડી મોડી થઈ હતી. આ ડિલને જોકે હજુ કમ્પિટિશન કમિશન ઑફ ઈન્ડિયા (સીસીઆઈ)ની મંજૂરી મળવાની બાકી છે.

રિલાયન્સે આ વર્ષના આરંભે જ ઓનલાઈન શોપિંગ માટે જિયોમાર્ટ નામની એપ લૉન્ચ કરી છે. ફેસબૂકના રોકાણથી હવે જિઓમાર્ટની યોજના વધારે મજબૂત બનશે અને વૉટ્સઅપ દ્વારા જ નજીકના કરિયાણા સ્ટોર સાથે જોડાવાની સુવિધા પણ શરૂ થશે. લગભગ ૩ કરોડ કરિયાણા સ્ટોરને કનેક્ટ કરવાનું મુકેશ અંબાણીનું આયોજન છે. તેનાથી ઓનલાઈન શોપિંગમાં માસ્ટરી ધરાવતા એમેઝોન અને ફ્લિપકાર્ટને સીધી સ્પર્ધા મળશે.

રિલાયન્સ જિઓ એ અત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડની પેટા કંપની (સબસિડરી) છે અને એ એમ જ રહેશે. ફેસબૂકના રોકાણથી કંપનીના માલિકીહક્કોમાં કોઈ ફરક પડશે નહીં. ફેસબૂકે પોતાના બ્લોગ પર આ અંગે લખ્યું હતું કે અમે ભારતીય કંપની સાથે કામ કરવા ઉત્સાહિત છીએ અને કોરોના મહામારી પૂરી થયા પછી પૂરી ક્ષમતા સાથે કામ કરીશું.