(Photo by Christopher Furlong/Getty Images)

‘’કોરોનાવાયરસ સામેની લડતનો પહેલો તબક્કો પૂર્ણ થવા આરે છે, આપણે અંતની નજીક છીએ અને સૌએ ધૈર્ય રાખવાનુ છે, પણ આપણે લોકડાઉન તો રાખવું જ પડશે’’ એમ આજે સોમવારથી ફરજ પર હાજર થયેલા વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે જણાવ્યુ હતુ. તેમણે બ્રિટનને પાછુ પાટા પર લાવવા માટે વિપક્ષ અને બિઝનેસ લીડર્સ સાથે ‘ખુલ્લી અને પારદર્શક’ ચર્ચા કરવાનું વચન આપ્યું હતું. કોરોનાવાયરસ લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચના માટેની વધતી જતી માંગણી વચ્ચે તેમણે ચેતવણી આપી હતી કે હવે બીજા શિખરની ચિંતા વચ્ચે રોગચાળાન હળવેથી લેવાનો સમય નથી.

કોરોનાવાયરસના સારવાર બાદ મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે ચેકર્સ ખાતેના ઘરે 15 દિવસ આરામ કર્યા બાદ વડા પ્રધાને સેમવારે સવારે 9.15 કલાકે ‘વોર કેબિનેટ’ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. એવા પુરાવા મળી રહ્યા છે કે બ્રિટનના લોકો હવે ખુદ રસ્તાઓ પર આવી ગયા છે અને દુકાનો ખુલી રહી છે તેમ જ ટ્રાફિક વધી રહ્યો છે.

પોતાના ટ્રેડમાર્ક દેખાવ સાથે પાછા ફરેલા જ્હોન્સને તેમની ગેરહાજરીમાં મદદ કરનાર સૌનો આભાર માન્યો હતો અને ચર્ચિલના પ્રખ્યાત ભાષણ ‘એન્ડ ઑફ ધ બિગીનીંગ’ની ઢબે જણાવ્યુ હતુ કે ‘’કોરોનાવાયરસ સામેની લડતનો પહેલો તબક્કો પૂર્ણ થવા આરે છે, યુકે ‘પ્રગતિ’ કરી રહ્યુ છે અને તેના ‘વાસ્તવિક સંકેતો’ નજરે પડી રહ્યા છે. મહત્તમ જોખમની ક્ષણો પણ છે તેથી ‘સામાજિક અંતર’ નિયમોને ત્યજી દેવાની જરૂર નથી. હું તમને ધીરજ જાળવી રાખવા માટે કહું છું કારણ કે હું માનું છું કે હવે આપણે સંઘર્ષના પ્રથમ તબક્કાના અંત તરફ આવી રહ્યા છીએ. એકવાર રોગ નિયંત્રણમાં આવશે પછી આપણે નિયંત્રણ પગલાને ‘રિફાઈન્ડ’ કરી શકીશુ. સરકાર યુકેની વિશાળ અર્થવ્યવસ્થાના એન્જિનને કેવી રીતે આગળ અપાવશે તે વિશે આગામી દિવસોમાં વધુ જાહેરાત કરશે.’’

તેમણે જણાવ્યુ હતુ કે ‘’હું જાણું છું કે આ વાયરસ દેશભરના ઘરોમાં નવી ઉદાસી અને શોક લાવે છે. યુદ્ધ પછીનો આ સૌથી મોટો અને એકમાત્ર પડકાર છે. જે સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ તેને હું કોઈ પણ રીતે ઘટાડતો નથી. હવે ઓછા લોકો હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે, આઇસીયુમાં પણ ઓછા દર્દીઓ છે અને હવે આપણે રોગચાળાના શિખર પરથી નીચે ઉતરી રહ્યા છીએ તેના વાસ્તવિક સંકેતો સાથે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. તમારી સહિષ્ણુતા, તમારા પરોપકાર, સમુદાયની ભાવના અને સામૂહિક રાષ્ટ્રીય સંકલ્પ માટે આભારી છુ. NHSને ડૂબતા અટકાવવાના પ્રથમ મિશનને પ્રાપ્ત કરવાની આરે છીએ.’’

વડાપ્રધાનને વધતા જતા એલાર્મનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે લોકોની અવરજવર પર નિયંત્રણ કરતા નિયમો ખૂની રોગના ફેલાવાને રોકવામાં સફળ થયા છે પણ બીજી બીજુ તે અર્થતંત્રને ઘૂંટણીએ પાડી રહ્યા છે. રશ અવર દરમિયાન લેવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં પેરીવેલ ખાતેના A40, ગ્રીનીચ ખાતેના A102, બ્રિસ્ટલમાં M5 અને વોલ્સોલમાં એમ 6 સહિતના રસ્તાઓ પર વાહનોની કતારો જોવા મળી હતી.

ટોમટોમ મુજબ લંડનમાં સોમવારે સવારે 8 વાગ્યે વાહનોની ભીડ 49 ટકા ઓછી હતી. જો કે, ગયા અઠવાડિયે તે 2019ની સરેરાશમાં ટ્રાફીક 50 ટકાથી નીચે હતો. રેલ મુસાફરીમાં પણ વધારો થયો છે અને એપલના ડેટા મુજબ વાહનો અને રાહદારીઓના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.

અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે યુકેને તેની ગુમાવેલી આર્થીક સધ્ધરતા પરત મેળવવામાં વર્ષોનો સમય લાગશે અને કરદાતાઓને દાયકાઓ સુધી સરકારના બેલઆઉટના નાણાં ટેક્સરૂપે ભરવા પડશે. બીજી તરફ રોગચાળાના વ્યાપને રોકવા સરકાર પોર્ટ્સ અને વિમાનમથકો પર વિદેશથી આવતા લોકોને 14-દિવસના ક્વોરેન્ટાઇન પર મોકલી શકે છે. ટોચના વૈજ્ઞાનિક પ્રોફેસર નીલ ફર્ગ્યુસને યુવાનોને સામાન્ય જીવન ફરી શરૂ કરવાની મંજૂરી આપવાના વિચારને અસ્પષ્ટ જણાવી ચેતવણી આપી હતી કે તેનાથી બ્રિટનમાં 100,000 લોકો મૃત્યુ પામશે.