નવી દિલ્હીની સિંઘુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે તેમને અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. (PTI Photo/Ravi Choudhary)

દિલ્હીની બોર્ડરો પર લગભગ બે મહિનાથી કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનમાં એક પછી એક નવા વળાંક જોવા મળી રહ્યાં છે. ગુરુવારે સિંઘુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ થઈ હતી. બન્ને જૂથ વચ્ચે ઘર્ષણ થતાં સ્થિતિ વણસી હતી અને પથ્થરમારો થયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો સહારો લીધો હતો. દિલ્હી અને હરિયાણાની બોર્ડર પર સિંઘુ છેલ્લાં બે મહિનાથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનું મુખ્ય કેન્દ્ર છે.

આશરે 200 લોકોના જૂથે પથ્થરમારો કર્યો હતો અને ખેડૂતોના ટેન્ડમાં તોડફોડ કરી હતી. આ અથડામણમાં બે પોલીસ જવાનો ઘાયલ થયા હતો. એક પોલીસને તલવારથી ઇજા થઈ હતી.

શુક્રવારે સવારથી જ સિંધુ બોર્ડર પર સ્થાનિકો દ્વારા આંદોલનકારી ખેડૂતોનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેમની માંગ હતી કે હાઇવે ખાલી કરવામાં આવે. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. તેમનું કહેવું હતું કે, લાલ કિલ્લા પર તિરંગાનું જે અપમાન થયું છે, તે સહન નહીં કરે.

ગુરુવારે પણ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે તેને પરત ફેરવ્યા હતા. તેઓ ગાઝીપુરમાં ખેડૂતોના ઘારણા વિરુદ્ધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જો કે, પોલીસે તેમને ખેડૂતો સુધી પહોંચવા દીધા નહોતાં.