નવી દિલ્હીમાં સંસદના બજેટ સત્ર દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારામન(LSTV/PTI Photo)

ભારતની સંસદમાં કેન્દ્રીય બજેટ પહેલા શુક્રવારે જારી કરવામાં આવેલા આર્થિક સરવેમાં અંદાજ મુકવામાં આવ્યો હતો કે વી-શેર રિકવરીને પગલે આગામી નાણાકીય વર્ષમાં ભારતના અર્થતંત્રમાં 11 ટકાની ઊંચી વૃદ્ધિ જોવા મળી શકે છે. કોરોના મહામારીને અને તેના પગલે લોકડાઉનને કારણે 31 માર્ચ 2021માં પૂરા થતાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના અર્થતંત્રમાં 7.7 ટકાનો વિક્રમજનક ઘટાડો થવાનો અંદાજ છે.

ભારતમાં છેલ્લે 1979-80ના નાણાકીય વર્ષમાં જીડીપીમાં વાર્ષિક ધોરણે 5.2 ટકાનો ઘટાડો થયો હતો.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા 2020-21 માટેના આર્થિક સરવેમાં જણાવાયું હતું કે કૃષિ ક્ષેત્ર એકમાત્ર રૂપેરી રેખા છે. લોકડાઉનને કારણે સર્વિસ, મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ ક્ષેત્રને સૌથી વધુ ફટકો પડ્યો હતો.

2020-21માં અર્થતંત્રમાં 7.7 ટકાના ઘટાડા બાદ 2021-22ના નાણાકીય વર્ષમાં જીડીપીમાં 11 ટકાનો વિક્રમજનક વધારો થવાની ધારણા છે. ચાલુ વર્ષે અર્થતંત્ર માટે સૌથી મોટો આધાર એ કૃષિ છે. આ ક્ષેત્રનો વિકાસદર 4.4% રહેવાની ધારણા છે. GDPમાં પણ એનો હિસ્સો વધશે. વર્ષ 2019-20માં એ 17.8% હતો, જે આ વર્ષે 19.9% ​​રહેશે. કૃષિ સિવાય અર્થતંત્રનાં બે ક્ષેત્ર ઉદ્યોગ અને સેવાઓ છે. ઉદ્યોગમાં વર્તમાન નાણાકીય વર્ષમાં એ 9.6% ઘટવાની ધારણા છે. સર્વિસ સેકટરની વૃદ્ધિ પણ -8.8% રહેશે.

સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે હેલ્થકેર પર સરકારી ખર્ચને જીડીપીના 2.5થી 3% સુધી વધારવો જોઈએ. આ 2017ની નેશનલ હેલ્થ પોલિસીમાં પણ આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. આ છતાં એ હજી પણ 1%ની આસપાસ છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને આરોગ્ય માળખાના ખર્ચમાં વધારો થવો જોઈએ. ટેલિમેડિસિનને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે.