નવી દિલ્હીમાં 31 જાન્યુઆરી 2021ના રોજ ગાંઝીપુર બોર્ડર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતો (PTI Photo/Atul Yadav)

ભારત સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ સરકાર સાથે મંત્રણા માટે તૈયાર છે અને સરકારે મંત્રણાની તારીખ નક્કી કરવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન ખેડૂતોને આંદોલન પુરુ કરવાની અપીલ કરી હતી અને ખેડૂતોને સરકાર સાથે વાતચીત માટે આમંત્રણ પણ આપ્યું હતું. વડાપ્રધાનના નિવેદન બાદ ખેડૂતોએ આ પ્રતિક્રિયા આપી હતી.
સંયુક્ત કિસાન મોરચાના વરિષ્ય સભ્ય શિવકુમાર કાકાએ જણાવ્યું હતું કે તેઓ સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર છે અને સરકારે તારીખ અને સમય નક્કી કરવો જોઇએ.

જો કે ખેડૂતોએ રાજ્યસભામાં નરેન્દ્ર મોદી દ્વારા કરાવામાં આવેલી એક ટિપ્પણીની ટીકા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે દેશમાં આંદોલનજીવી નામનો નવો વર્ગ ઊભો થયો છે અને જ્યાં આંદોલન ચાલતું હોય ત્યાં પહોંચી જાય છે આ અંગે ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે લોકશાહીમાં આંદોલનની ભૂમિકા મહત્વની હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે સરકારને વાતચીત માટે ક્યારેય પણ ના નથી પાડી. સરકારે વાતચીત માટે બોલાવ્યા ત્યારે ગયા છીએ.

ઉલ્લેખનીય છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં 11 બેઠકો થઇ છે, જેમાં કોઇ સામાધાન આવ્યું નથી. ખેડૂતો ત્રણે કાયદાને પરત લેવાની માંગ ઉપર અડગ છે તો સામે સરકાર પણ તેમાં સુધારો કરવાની દરખાસ્ત કરી હતી. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો આશરે 70 દિવસથી દિલ્હીની સીમા પર આવેલા સિંઘુ, ટિકરી અને ગાંઝીપુર ખાતે આંદોલન કરી રહ્યાં છે.