ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન કરવા પૂણેમાં આઠ ડિસેમ્બરે કૃષિ સંગઠનના સભ્યોએ દેખાવો કર્યા હતા. (PTI Photo)

અમેરિકાના અનેક સાંસદોએ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે, તેમણે અપીલ પણ કરી છે કે નવા કૃષિ કાયદા સામે તેમને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની મંજૂરી આપવી જોઇએ.

ભારતે આ મામલે વિદેશી નેતાઓએ કરેલી ટિપ્પણી અંગે જણાવ્યું હતું કે, તેઓ આ બાબતે ઓછા માહિતગાર છે અને બિનજરૂરી હસ્તક્ષેપ કરી રહ્યા છે. આ લોકશાહી દેશની આંતરિક બાબત છે. કોંગ્રેસમેન ડગ લામાલફાએ સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં આજીવિકા અને ગેરમાર્ગે દોરાયેલા સરકારી નિયમોથી બચવા માટે દેખાવો કરી રહેલા પંજાબી ખેડૂતોને મારું સમર્થન છે.

કેલિફોર્નિયાના પ્રથમ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા રીપબ્લિકન સાંસદે જણાવ્યું હતું કે, પંજાબી ખેડૂતોને તેમની સરકારની વિરુદ્ધમાં હિંસાનો ભય રાખ્યા વગર શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવવા માટે મંજૂરી આપવી જ જોઇએ. ડેમોક્રેટિક કોંગ્રેસમેન જોશ હાર્ડરે જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. તેમના દેશમાં ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની મંજૂરી આપવી જોઇએ. હું આ લોકોને પ્રોત્સાહન આપું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે શાંતિપૂર્ણ રીતે સકારાત્મક ચર્ચા કરવી જોઇએ. કોંગ્રેસમેન ટી જે કોક્સે જણાવ્યું હતું કે, ભારતે શાંતિપૂર્ણ દેખાવોના અધિકારનું સમર્થન કરવું જોઈએ અને તેમના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ. ડેમોક્રેટિક નેતાએ ભારપૂર્વક કહ્યું હતું કે, વિરોધ કરી રહેલા ખેડૂતોના અધિકારોનું સન્માન થવું જોઇએ અને અર્થપૂર્ણ ચર્ચા કરીને પ્રશ્નો ઉકેલવા જોઇએ.

કોંગ્રેસમેન એન્ડી લેવિને જણાવ્યું હતું કે, ભારતમાં ખેડૂતોની ચળવળથી તેમને પ્રેરણા મળી છે. ડેમોક્રેટિક સાંસદે જણાવ્યું હતું કે, હું તેને 2021માં લોકોની સત્તાના વર્ષ માટે પૂર્વચિહ્ન તરીકે જોવું છું. ખેડૂતોના આ આંદોલનની અમેરિકાના અગ્રીમ હરોળના મીડિયાએ પણ નોંધ લીધી છે.