પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જાણીતા ભારતીય પત્રકાર સલિલ ત્રિપાઠીએ બાબરી ધ્વંસની તીથિ તથા ભારતીય લોકશાહીના ઘટતા મૂલ્યો વિષે ટ્વિટ કરતાં તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હતુ અને તેના પગલે ટ્વીટર સામે સેન્સરશીપનો આક્ષેપ મૂકાયો છે. ત્રિપાઠી પછી લેખકો સલ્માન રશ્દી અને અમિતાવ ઘોષે પણ ટ્વીટર સામે નારાજગી દર્શાવી છે.

ત્રિપાઠીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાતાં 26,000 ટ્વીટર ફોલોઅરવાળા જમણેરી હિંદુ રાષ્ટ્રવાદી જૂથ દેશી આર્મીએ વિજયનો ભાવ વ્યક્ત કર્યો હતો. શાસક ભાજપના કટ્ટરપંથી નેતા કપિલ મિશ્રાએ દેશી આર્મીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, સરકારના ઓનલાઇન ટીકાકારોને ટાર્ગેટ બનાવીને દેશી આર્મી સારું કામ કરે છે.

મુંબઇમાં જન્મેલા અને હાલ ન્યૂ યોર્કમાં વસતા ત્રિપાઠી વિભિન્ન પ્રકાશનોના લેખક હોવા ઉપરાંત ભારતીય પ્રકાશનો મિન્ટ અને કારવાંના તંત્રી છે. ભાજપ શાસનમાં લોકશાહીનું ધોવાણ, ભારત અલગ રાષ્ટ્ર કેવી રીતે બન્યું, ભારતમાં અભિવ્યક્તિની આઝાદી સહિતનાં લખાણો અને પુસ્તક લખનાર ત્રિપાઠીએ હિંદુ રાષ્ટ્રવાદની અનેક વખત ટીકા કરી છે. બાબરી ધ્વંસ, ગુજરાતનાં રમખાણો અંગેની પોતાની કવિતાનું પઠન કરતા ત્રિપાઠીએ વીડિયો ટ્વીટર ઉપર પોસ્ટ કરતાં થોડી જ વારમાં તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હતું. ટ્વીટરના નિવેદન પ્રમાણે વાંધાજનક લખાણ માટે એકાઉન્ટ કામચલાઉ સસ્પેન્ડ કરાયું છે. ત્રિપાઠીએ ટ્વીટરને જાહેર નહીં ખાનગી મંચ ગણાવી પક્ષપાતી પણ ગણાવ્યું હતું.

ત્રિપાઠીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાતાં સલ્માન રશ્દી, અમિતાવ ઘોષ, નિરંજના રોય, શશી થરૂર, સુકેતુ મહેતા, સહિતના અગ્રણી લેખકો, પત્રકારો અને રાજકારણીઓએ ટ્વીટર સામે નારાજગી દર્શાવી હતી.