પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો સામે હરિયાણા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં હતા. (ANI Photo)

પંજાબ અને હરિયાણા વચ્ચેની ખનૌરી બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષમાં એક ખેડૂતનું મોત થયું હતું અને 12 પોલીસ જવાનો ઘાયલ થયાં હતાં. ખનૌરી અને શંભુ બોર્ડર પર ખેડૂતોએ બેરિકેડ્સ તરફ આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે બંને સરહદી પોઇન્ટ પર ઘણી વખત ટીયર ગેસના શેલ છોડ્યા હતાં અને તેનાથી તંગદિલી ઊભી થઈ હતી.

આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યા પછી ખેડૂતો નેતાઓએ દિલ્હી ચલો કૂચ બે દિવસ માટે મોકૂફ રાખી હતી. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું હતું કે તેઓ શુક્રવારે સાંજે ભાવિ પગલાંનો નિર્ણય કરશે.

રવિવારે રાત્રે કેન્દ્ર સાથેની ચોથા રાઉન્ડની મંત્રણામાં કોઇ ઉકેલ ન આવ્યા પછી પંજાબના ખનૌરી અને શંભુ બોર્ડર પર બે દિવસના વિરામ બાદ બુધવારે ખેડૂતો અગાઉથી તૈયારી સાથે તેમનું આંદોલન ફરી શરૂ કર્યું હતું. હજારો ખેડૂતોએ તેમના ટ્રેક્ટર-ટ્રોલીઓ અને ટ્રકો સાથે ખનૌરી અને શંભુ ખાતે પડાવ નાંખ્યો છે. ખેડૂતો જેસીબી મશીનો, એક્સકેવેટર્સ  અને મોડિફાઇડ ટ્રેક્ટર પણ આવ્યા હતા, જેનો દેખિતો હેતુ બેરિકેડ્સ તોડવાનો હતો. ખેડૂતોએ પોતાને ટીયર ગેસથી બચાવવા માટે માસ્ક અને ચશ્મા પહેર્યા હતા. બેરિકેડ્સની બીજી બાજુના ખેડૂતોની ગતિવિધિઓ પર નજર રાખવા અને ટીયર ગેસના શેલ છોડવા માટે પોલીસે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.

પશ્ચિમ ઉત્તરપ્રદેશના જિલ્લાઓમાં ખેડૂતોએ MSPની માંગણી માટે દબાણ કરવા માટે પ્રદર્શનો કર્યા હતા અને કૂચ કરી હતી. મુઝફ્ફરનગર, મેરઠ, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં વિરોધ પ્રદર્શન થયા હતાં. મુઝફ્ફરનગરમાં એક ખેડૂતે પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથી આંદોલનકારીઓએ સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો અને તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

બીજી તરફ કૃષિ પ્રધાન અર્જુન મુંડા વધુ વાટાઘાટો કરવાની શાંતિ જાળવવા અપીલ કરી હતી.

ખેડૂત નેતા બલદેવ સિંહ સિરસાએ મૃત ખેડૂતની ઓળખ સુભકરણ સિંહ (21) તરીકે કરી છે, જે પંજાબના ભટિંડા જિલ્લાના બાલોકે ગામના રહેવાસી છે.

હરિયાણાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું ખનૌરીમાં લાકડીઓથી હુમલો કરાયો હતો અને પથ્થરમારો કરાયો હતો. તેનાથી 12 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.ખેડૂતોએ દાવો કર્યો હતો કે હરિયાણા પોલીસે ટીયર ગેસના શેલ ઉપરાંત રબર બુલેટ ચલાવી હતી.

LEAVE A REPLY

13 + nineteen =