ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો કેટલાક ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના પગલે આજે અનેક રાજ્યોમાં ખેડૂતોએ ચક્કાજામના કાર્યક્રમ આપ્યા હતા. દિલ્હી એનસીઆરમાં ખેડૂતોના ચક્કાજામને પગલે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાઝિયાબાદના લોની બોર્ડર પર ડ્રોનના દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અંદાજે 50 હજાર સુરક્ષા જવાનોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તહેનાત કરવામાં આવ્યા છે. ખેડૂતોના ચક્કાજામના એલાન બાદ દિલ્હી ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે અને ખેડૂતોને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાંચી અને કોલકત્તા હાઈવે પર ખેડૂતોના ચક્કાજામની અસર જોવા મળી છે, હરિયાણામાં પણ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જમ્મુ અને પઠાણકોટ હાઈવે પર પણ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો.
ભારતભરમાં ખેડૂતોના ચક્કાજામના એલાનને પગલે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યા છે. ખાન માર્કેટ અને નહેરુ પ્લેસ મેટ્રો સ્ટેશને એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પણ બંધ કરી દીધા છે. આ પહેલા 8 મેટ્રો સ્ટેશનના તમામ ગેટ બંધ થઈ ગયા છે.